(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૪
ખંભાતના અકબરપુર તેમજ અન્ય વિસ્તારમાં ગત તા.ર૩ના રોજ થયેલ આગજની અને કોમી તોફાનો અનુસંધાને અલ્પસંખ્યક અધિકાર મંચ દ્વારા પીડિત પરિવારો સાથે મુલાકાત કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા નિષ્પક્ષ અને ન્યાયિક કાર્યવાહી કરવા, તાત્કાલિક ઘટનાના પીડિત પરિવારોને પોલીસ રક્ષણ પૂરૂં પાડવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તે અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. ખંભાતમાં કોમી એકતાને પલીતો ચાંપી તોફાની તત્ત્વો દ્વારા આગજની કરીને નિર્દોષ લોકોના મકાનો અને વાહનોને સળગાવવામાં આવેલ છે. આ બનાવ અનુસંધાને તોફાની તત્ત્વો દ્વારા ઈસુબભાઈ રસુલભાઈ શેખ (ઉ.વ.૬૨)નું મકાન પણ બાળી નાખવામાં આવ્યું હતું. જેનો આઘાત સહન ન કરી શકતા તેમનું મૃત્યુ થયેલ છે. તેમજ અકબરપુર વિસ્તારના ૩૫-૪૦ જેટલા મકાનોને લૂંટફાટ કરીને બાળી નાખવામાં આવેલ છે. ૧પથી ર૦ જેટલી દુકાનો અને રપથી વધુ વાહનોને આગ લગાડવામાં આવી છે તેમજ અન્ય વિસ્તારમાં પણ મકાનોમાં લૂંટફાટ અને તોડફોડ કરીને આગજની કરવામાં આવેલ છે. હાલમાં અકબરપુર વિસ્તારના ર૦૦થી રપ૦ પરિવારો તેમના ઘર છોડીને ભયને કારણે સાલવા વિસ્તારમાં આશરો લેવા મજબૂર થયેલા છે, પરંતુ સત્તામંડળ દ્વારા અત્યાર સુધી તેઓ પોતાના ઘરે પરત ફરે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. અસામાજિક તત્ત્વો વારંવાર મીટિંગો કરતા હતા એટલે સ્પષ્ટ થાય છે કે, આ એક પૂર્વ આયોજિત કાવતરૂં છે. કારણ કે, કાવતરાખોરોને એ હકીકતની સંપૂર્ણ ખબર હતી કે, આણંદ જિલ્લાનો પોલીસ સ્ટાફ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં વ્યસ્ત હોઈ તેઓએ પોતાનો બદ ઈરાદો પૂરો કરવા ગેરકાયદેસર મંડળી બનાવી, એક સંપ થઈને જ્વલંતશીલ પદાર્થો અને હિંસક હથિયારો ધારણ કરીને લોકો ઉપર હુમલા કર્યા હતા. આ ઘટના અનુસંધાને અલ્પસંખ્યક અધિકાર મંચ દ્વારા માગણીઓ આવી છે કે, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર અને મામલતદાર દ્વારા ઘટનાસ્થળની તાત્કાલિક મુલાકાત કરવામાં આવે અને અસરગ્રસ્ત પીડિત પરિવારોને પોલીસ રક્ષણ તથા જ્યાં અસરગ્રસ્તો રહે છે તે રાહત કેમ્પની તાત્કાલિક મુલાકાત લઈને તેમની રહેવા, જમવાની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ તેમના મકાનો બળી ગયા છે તેનો સર્વે કરીને તેઓના નાગરિક અધિકાર પત્રો (રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ) તાત્કાલિક બનાવી દેવામાં આવે. તેમને થયેલ નુકસાનીનું સર્વે કરીને ૧૦૦ ટકા વળતર ચૂકવવામાં આવે, પોલીસ દ્વારા નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે અને તોફાની તત્ત્વોને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, સમગ્ર ખંભાત શહેરમાં જ્યાં જ્યાં આગજનીની ઘટનાઓ થયેલ છે, તે તમામ ઘટના સ્થળની આસપાસની મોજૂદ તમામ સીસીટીવી ફૂટેજ લેવામાં આવે અને તેને પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવે, સંવેદનશીલ વિસ્તારોમાં કાયમી એસઆરપીનો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે, કોમી હિંસા રોકવા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ મુજબ ઈન્વેસ્ટિગેશન એજન્સી બનાવીને તપાસ હાથ ધરવામાં આવે, સ્થાનિક આગેવાનોને ખોટા કેસો કરીને તેમને ફસાવવામાં ના આવે સહિતની માંગ કરવામાં આવી છે. આ પ્રતિનિધિમંડળમાં એડવોકેટ શમશાદ પઠાણ, નયન પટેલ, હોઝેફા ઉજ્જેની, શરીફ મલેક, ખેરૂન પઠાણ, સમીના મલેક, મુસ્તાક શેખ અને મનિષ મંજૂલાબેન હાજર રહ્યા હતા.