(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
સુરતના રાજદ્રોહના ગુનામાં જામીન મુક્ત આરોપી અલ્પેશ કથીરિયાના જામીન રદ કરવા માટે ડીસીબી દ્વારા કરવામાં આવેલી પરચુરણ અરજીની સુનાવણી કોર્ટ દ્વારા તા.૪થી જાન્યુઆરીના રોજ મુકરર કરવામાં આવી છે.
જો કે, સેશન્સ કોર્ટે આરોપીને કોર્ટ સમક્ષ હાજર રહેવાની એક નોટિસ ગતરોજ કાઢી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અમરોલી પોલીસ મથકમાં પૂર્વ ડીસીબી મકરંદ ચૌહાણે હાર્દિક પટેલ, ચિરાગ દેસાઈ તથા વિપુલ દેસાઈ સામે રાજદ્રોહની ફરિયાદ આપી હતી. જેની તપાસ ડીસીબીના પૂર્વ પીઆઈ દહિયા કરતા હતા. પોલીસે તમામ આરોપીઓની તબક્કાવાર ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ પોલીસે અલ્પેશ કથીરિયાની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કર્યા હતા. લાજપોર જેલમાં બંધ અલ્પેશને અદાલતે જામીન મુક્ત કર્યા બાદ તેણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડી હતી અને એસીપી પરમારને પણ બેફામ ગાળો ભાંડી હતી. ડીસીબી દ્વારા તેના જામીન રદ કરવાની એક પરચુરણ અરજી કરી હતી. જેની સામે સોમવારના રોજ અદાલતે નોટિસ કાઢી ૪થી જાન્યુઆરીના રોજ અલ્પેશને કોર્ટ સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો હતો. ડીસીબી દ્વારા અલ્પેશને નોટિસ બજાવવાના ચક્રોગતિમાન કરાયા હોવાનું વિશ્વસનિય સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.