(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
શહેરના અમરોલી પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના ગુનામાં આરોપી અલ્પેશ કથીરિયાની જામીન અરજીની દલીલો આજે પૂરી થઈ હતી. જોકે, આજે પોલીસે આરોપીની સામે એફીડેવિટ રજૂ કરી હતી. આગામી દિવસોમાં અલ્પેશની જામીન અરજીનો ઓર્ડર થશે. એવું બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, સુરત પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા સામે ઓગસ્ટ-૨૦૧૭માં અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ કલ્પેશ દેવાણીએ હત્યાના પ્રયાસની એક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી હતી. બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહવાળા દ્વારા રજૂ કરવામાં આવેલી જામીન અરજીમાં એવી દલીલો કરી હતી કે, ફરિયાદી ભાજપની વિચારધારાઓથી પ્રભાવિત થઈ તેમજ પૂર્વગ્રહથી આ ફરિયાદ નોંધાવી છે. અદાલતે પોલીસ પાસેથી સીસીટીવી ફૂટેજ પેન ડ્રાઈવરમાં મંગાવીને પણ જોયા હતા. જેની સામે અમરોલી પોલીસ એફીડેવીટ પણ રજૂ કરી જામીન ફગાવી દેવાની માંગણી કરી હતી. બંને પક્ષોની દલીલો પૂરી થતા આગામી દિવસોમાં તેનો ઓર્ડર થશે એવું જાણવા મળ્યું છે.