(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાના જેલવાસ દરમિયાન બીઆરટીએસ બસની તોડફોડ કરવાના કેસમાં પકડાયેલા આંદોલનકારીઓને પોલીસ દ્વારા ખોટી રીતે યોગીચોકના મેદાનમાં પાઇપ વડે ઢોર માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે અલ્પેશ કથીરિયા અને પાસ કાર્યકરો સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અશ્વિન ડાંગર સહિત પાંચને સસ્પેન્ડ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બનાવની વિગત એવી છે કેસ, પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા જેલમાં હતો ત્યારે પાસના કાર્યકર્તાઓ દ્વારા સરથાણા વિસ્તારમાં બીઆરટીએસ બસમાં તોડફોડ કરવામાં આવી હતી. બસની તોડફોડમાં પકડાયેલા પાસના આંદોલનકારીઓને પોલીસ દ્વારા યોગીચોકના મેદાનમાં ખોટી રીતે ટાર્ગેટ કરી પાઇપ વડે ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ પાસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.આ વાતને લઇ આજે પાસના નેતા અલ્પેશ કથીરિયા અને પાસના કાર્યકર્તાઓ સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પીએસઓ પાસે પોલીસ ફરિયાદ નોંધાવી વાત કરી હતી. જો કે, પોલીસ ફરિયાદ નહીં લેતા પાસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત અલ્પેશ કથીરિયાએ પાસના કાર્યકર્તાઓને બેફામ ગાળો ભાંડનાર સરથાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ અશ્વિન ડાંગર તથા ભુપેન્દ્રસિંહ રાઠોડ અને કુમારપાલ સિંહ સહિત કુલ પાંચને સસ્પેન્ડ કરી તેની સામે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.