(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૩
ભાજપમાં જોડાયા બાદ શાંત થઈ ગયેલા ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે આજે ઘણાં દિવસ બાદ ફરી ચર્ચામાં આવે તેવું નિવેદન કર્યું છે. શિસ્તબદ્ધ પાર્ટીના દાવો કરતાં ભાજપને પડકારતા તેમણે કહ્યું હતું કે, ચૂંટણી લડીશ તો રાધનપુરથી જ લડીશ. આ સાથે ઠાકોર સમાજના વિકાસને રોકવા અનેક લોકો તેમના વિરોધમાં કામ કરી રહ્યા હોવાનો અલ્પેશ ઠાકોરે તેમના સમાજના અન્ય આગેવાનો ઉપર આડકતરો ઈશારો કરતાં પ્રહાર કર્યો હતો. અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે ગરીબ અને ઠાકોર સમાજના વિકાસને રોકવા માટે અનેક લોકો તેમના વિરોધમાં કામ કરે છે. અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો મારો ઉદેશ્ય ગરીબો અને મારા સમાજ માટે કામ કરવાનો હતો. મારા વિશે અટકળો ચાલતી રહી છે. મેં જે કંઈ નિર્ણય કર્યો છે તે મક્કમપણે કર્યો છે. મને મારા નિર્ણય પણ કોઈ શંકા નથી. આવનારા સમયમાં મારા ઉદેશ્યને પૂરો કરવા માટે હું બધું કરીશ.” ભાજપમાં પણ તમામ લોકો મારા વિચારોથી સહમત ન હોય. તેમ શક્ય છે પરંતુ મારાથી કોઈ વિરૂદ્ધ હોય તો મને ખબર નથી. પાર્ટીને અને લોકોને ફાયદો થાય તે રીતે કામ કરતા રહીશું. મેં એવું કંઈ નથી કર્યું જેનાથી પાર્ટીમાં મારો વિરોધ થાય. મને શું મળે છે કે નથી મળતું, મારે ચૂંટણી લડવી કે ન લડવી, મને મંત્રી પદ આપવું કે ન આપવું તે પાર્ટીનું નેતૃત્વ નક્કી કરશે. ભાજપના નેતૃત્વ પર ભરોશો કરીને હું પક્ષમાં જોડાયો છું. મારે મારા સમાજ અને ગરીબ યુવાઓ માટે સ્કૂલો, કોલેજો, છાત્રાલયો બનાવવા છે. બેરોજગારોને રોજગારી આપવી છે.” “મેં રાધનપુરના વિકાસ માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડવાનો નિર્ણય કર્યો છે. મારે રાધનપુરમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવું છે. બેરોજગાર યુવાનો માટેની અપેક્ષા પૂરી કરવી છે. શિક્ષણની દીશામાં કામ કરવું છે. મેં મારા લોકો માટે નિર્ણય કર્યો છે. મારું રાધનપુર ઇચ્છી રહ્યું છે કે હું ત્યાંથી જ ચૂંટણી લડું. હું ચૂંટણી લડીશ તો રાધનપુરથી જ લડીશ.”