અમદાવાદ, તા.૨૮
વ્યસન મુક્તિ આંદોલન બાદ કોંગ્રેસમાં જોડાઈને તકનો લાભ લઈ ભાજપમાં કૂદકો મારનારા અલ્પેશ ઠાકોરને પેટાચૂંટણીમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે, ત્યારે હવે કોઈ હોદ્દો-પદ નથી, ત્યારે જાણે ભાજપમાં જઈ અકળાઈ ગયા હોય તેમ અલ્પેશ ઠાકોરએ દારૂબંધી મુદ્દે ભાજપ સરકારને સુફિયાણી સલાહ આપી છે. રાજ્યની ચેકપોસ્ટો બંધ કરવા મુદ્દે અલ્પેશના સુફિયાણી સલાહ આપતા નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. કોંગ્રેસમાં બળવો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરે દારૂબંધીને લઇને ફરી નિવેદન આપ્યુ છે. અલ્પેશ ઠાકોર તીડગ્રસ્ત વિસ્તારની મુલાકાત સરકારને સલાહ આપી છે કે સરહદી જિલ્લાઓના પોલીસ સ્ટેશન સક્રિય નહી કરાય તો તીડની જેમ રાજસ્થાનથી પણ દારૂ આવવાની શરૂઆત થશે. અલ્પેશ ઠાકોરના નિવેદન બાદ ભાજપ બેકફુટ પર આવી ગઇ છે. અલ્પેશ ઠાકોરના નિવેદનને લઇ કોંગ્રેસે પણ પ્રહાર કર્યા હતા. અલ્પેશ ઠાકોર બનાસકાંઠાના તીડ પ્રભાવિત વિસ્તારની મુલાકાતે છે. દારૂબંધીને લઇ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે સરકારને શિખામણ આપી છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે સરહદી જિલ્લાઓની ચેકપોસ્ટોને સક્રિય કરવા મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત કરીશ. ચેકપોસ્ટ જો સક્રિય નહી કરાય તો તીડની જેમ રાજસ્થાનથી પણ દારૂ આવવાની શરૂઆત થશે. દારૂબંધીનો અસરકારક અમલ ચાલુ રાખવો હોય તો ચેકપોસ્ટ સક્રિય કરવી જરૂરી છે.