(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૧૪
ભાજપના અલ્પેશ ઠાકોરે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી રાજ્ય સરકાર સામે રીતસર બાયો ચઢાવી ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપી દીધું છે જેમાં જય જય ગરવી ગુજરાત સાથે છેલ્લા ૬૪થી વધારે દિવસોથી ઓબીસી સમાજની દીકરીઓ આંદોલન કરી રહી છે. એક ગેરબંધારણીય ઠરાવ કરવામાં આવ્યો છે જે ગરીબોના અધિકારો પર તરાપ મારવા સમાન અને અન્યાય કરવા સમાન છે. આ ઠરાવ સંદર્ભે રાજ્ય સરકારે ત્રણ દિવસ પહેલા તમામ આગેવાનોની બેઠક બોલાવી હતી. જેમાં એવી ખાતરી આપવામાં આવી હતી કે આ ઠરાવ બાબતે સુધારો કરવામાં આવશે. ત્રણ દિવસ વીતી ગયા છતાં હજી આ ઠરાવ નથી કરવામાં આવ્યો. રાજ્ય સરકારને નમ્ર અપીલ કરૂં છું કે, ૪૮ કલાકમાં આનો નિવેડો લાવો. સરકાર કોઈ પગલાં નહીં લે તો સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા કરીશ. આ પદયાત્રા સંવિધાનિક અધિકારોના રક્ષણ માટેની હશે. સંવિધાનિક અધિકારોના જતન માટે હશે. ગરીબોના અધિકારોના રક્ષણ માટે હશે. એ પછી પણ કોઈ નિવેડો નહીં આવે તો સોમવારે ગાંધીનગર પહોંચ્યા પછી આગામી રણનીતિ ઘડીશું. પરંતુ મને આશા છે કે રાજ્ય સરકાર ત્વરિત નિર્ણય કરશે.