અમદાવાદ, તા.૧૦
રાધનપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય તેમજ ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે આજરોજ નવી દિલ્હી ખાતે જઈ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. જ્યાં રાહુલ ગાંધીએ તેમની રજૂઆત તો શાંતિથી સાંભળી પરંતુ કરેલ નેતાની અદાથી અલ્પેશને ઠપકો આપતાં જણાવ્યું કે, રાજકારણમાં ક્યારેય તમે ઈચ્છો તેવી જવાબદારી મળતી નથી. ચૂપચાપ કોંગ્રેસને જીતાડવા કામે લાગી જાઓ પછી વિચારીશું તેમ જણાવી તેમના જુસ્સા પર ઠંડુ પાણી ફેરવી દીધું હતું. જો કે આ અંગે અલ્પેશ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમની વાત સાંભળી છે, તેમને મને જ્યાં પણ કામ કરવું હોય ત્યાં કરવાની ઓફર પણ આપી છે. આજની બેઠકમાં મેં ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે રાહુલ ગાંધીને વાકેફ કરાવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતમાં કેવી રીતે ચૂંટણી જીતી શકાય, કેવી રીતે તૈયારી કરી શકાય, પાર્ટીને કેવી રીતે મજબૂત કરી શકાય તે તમામ બાબતો અંગે વાતચીત થઈ હતી. મેં રાહુલ ગાંધી પાસે માંગણી કરી હતી કે મને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવે. હાલ તેમને મને એવું કહ્યું છે કે હું બિહારની જવાબદારી ચાલુ રાખું. આગામી મુલાકાતમાં કંઈક વિચારીશું તેવું તેમણે કહ્યું છે. હું તેઓ પરત ફરશે ત્યારે ફરીથી તેમની સાથે મુલાકાત કરીશ.” અલ્પેશે વધુમાં જણાવ્યું કે, બીજેપીના કોઈ નેતાએ મારી સાથે ચર્ચા પણ નથી કરી. હું ક્યાંક નથી જઈ રહ્યો. નેતાગીરી સામે સાચી વાત રજૂ કરવાને બળવો ન કહી શકાય. જો આવું જ થાય તો લોકો સાચી વાત બોલવાનું જ બંધ કરી દે.” અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ પરપ્રાંતિયો પર થયેલા હુમલા અંગે ભાજપે અલ્પેશ ઠાકોર સામે આંગળી ચિંધી હતી. આ હુમલા પાછળ અલ્પેશનો દોરીસંચાર હોવાની વાતથી રાહુલ ગાંધી તેની પર નારાજ હતા. ઉપરાંત જાહેર પક્ષને નુકસાન થાય તેવા નિવેદનો કરવા અંગે તેમને ફરિયાદ પણ મળી હતી. આથી આજની મુલાકાત વખતે રાહુલ ગાંધીએ અલ્પેશ સામે આ બાબતે નારાજગી વ્યકત કરી હાલ કોઈ લાલચ આપ્યા વિના ર૦૧૯ની તૈયારીમાં લાગી કોંગ્રેસને જીતાડવા કામે લાગી જવા ચેતવણી આપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.