અમદાવાદ,તા.ર૪
લોકસભાની ચૂંટણી નજીક આવતાં અલ્પેશ ઠાકોર સમાજની એકતાયાત્રા શરૂ કરી છે. અલ્પેશ ઠાકોર પોતાના સ્વભાવને લીધે કોંગ્રેસમાં અળખામણો બની ગયો છે. તે ભાજપમાં જોડાશે તેવી વાતો વહેતી થઈ હતી પરંતુ ભાજપમાં જ ઠાકોર સમાજના ધારાસભ્યો અને આગેવાનોએ તેનો વિરોધ કરી મુખ્યમંત્રીને મળી તેને ભાજપમાં ન લેવાની રજૂઆત કરતાં ભાજપમાં પણ તેના દ્વાર બંધ થઈ ચૂક્યા છે. આથી જો અલ્પેશ ઠાકોર પોતાનો સ્વભાવ નહીં સુધારે તો તેને ભારે રાજકીય નુકસાન થઈ શકે તેમ છે. ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલા સંદર્ભે અલ્પેશ ઠાકોર અને મુખ્યમંત્રી સામે ફરિયાદ નોંધાઈ છે. આથી હિન્દીભાષી સમાજ નારાજ છે. દરમ્યાન ગતરોજ અલ્પેશ ઠાકોરની એકતાયાત્રા દરમ્યાન ભાજપના શંકર ચૌધરી તેમને મળ્યા અને હાથ મિલાવ્યો. તેનાથી રાજકીય પંડિતો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી અટકળો ચલાવી રહ્યા છે. જો કે, ગઈકાલે જ ભાજપના ધારાસભ્યો, આગેવાનો અને હોદ્દેદારો મુખ્યમંત્રી રૂપાણીને મળ્યા હતા અને અલ્પેશને ભાજપમાં લેવાથી નુકસાન થશે તેવી રજૂઆત કરી હતી. આથી જો અલ્પેશને ભાજપમાં લેવામાં આવે તો વિરોધ થાય જ. ઉપરાંત ઠાકોર સમાજનો મોટો વર્ગ કે જે વર્ષોથી કોંગ્રેસ સાથે છે તે પણ નારાજ થાય. આથી ભાજપ માટે તો તેના દ્વાર બંધ થઈ ગયા છે. આમ હાલ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં રહેવા સિવાય કોઈ છૂટકો નથી પરંતુ કોંગ્રેસમાં પણ તેમનો વિરોધ ઊઠી રહ્યો છે. અલ્પેશ ઠાકોર પર રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના ચાર હાથ હોવાથી તે પોતાને રાષ્ટ્રીય નેતા માની રહ્યા છે. આથી કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોને તે તુચ્છ સમજી રહ્યા છે. પરિણામે પક્ષના જ લોકો તેનાથી નારાજ છે. આ જ કારણ મનાય છે કે ઠાકોર સમાજનું સમર્થન મેળવી એકતાયાત્રાના નામે તેમણે શક્તિ પ્રદર્શન કરવાનું વિચાર્યું હશે પરંતુ તેને જોઈએ તેવો પ્રતિસાદ ન મળતાં તેની સ્થિતિ બાવાના બેય બગડ્યા જેવી થાય તેમ જણાઈ રહ્યું છે. આથી જો અલ્પેશ ઠાકોરે રાજકારણમાં પગ જમાવી રાખવા હોય તો તમામનો સહયોગ મેળવી વિશ્વાસ જીતવો પડશે.