(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
સત્તા લાલશા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રમત રમી રહેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું કદ ભાજપે જુગલ ઠાકોરને રાજ્યસભાના ઉમેદવાર બનાવી ઘટાડી નાંખતા અલ્પેશ ઠાકોરની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ હતી. આથી હાઈકોર્ટમાં અલ્પેશને ગેરલાયક ઠેરવવાની કોંગ્રેસે કરેલી અરજીની આજે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન અલ્પેશ ઠાકોરે સોગંદનામું રજૂ કરી પોતે કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું તો યુ-ટર્ન લેતા વટભેર કોંગ્રેસમાં પ્રવેશેલા અલ્પેશ ઠાકોરને નાક લીટી તાણવી પડી છે.
કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા મામલે કોંગ્રેસે હાઈકોર્ટમાં કરાયેલી રિટ અરજીની સુનાવણીમાં આજે અલ્પેશ ઠાકોર તરફથી મહત્વનું સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું અને તેણે કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું નથી પરંતુ હોદ્દા પદ પરથી રાજીનામું આપ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતા. સાથે સાથે તેનું આ રાજીનામું વોટસઅપના માધ્યમથી ફરતું થયુ હતું અને તેથી તેમાં તેમની કોઇ જવાબદારી બનતી નહી હોવાથી તેમને ગેરલાયક ઠરાવવાનો પણ કોઇ પ્રશ્ન ઉભો થતો નથી એવો બચાવ પણ રજૂ કર્યો હતો. હાઇકોર્ટના જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ એ.પી.ઠાકરની ખંડપીઠે અલ્પેશનું સોગંદનામું રેકર્ડ પર લીધા બાદ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી હતી. કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને રાધનપુરના ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરાવવા કરાયેલી પિટિશનમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા હતા કે, અલ્પેશ ઠાકોરે એપ્રિલ માસમાં કોંગ્રેસમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધુ છે અને તેમછતાં તે ધારાસભ્યદે ખોટી રીતે ચાલુ રહ્યા છે. આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરી અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠરાવવા માંગણી કરી હતી પરંતુ અધ્યક્ષ દ્વારા પક્ષપાતભર્યુ વલણ અપનાવી અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠરાવ્યા નથી. જેને પગલે કોંગ્રેસ પક્ષ તરફથી આ રિટ અરજી કરવાની પડી છે. કોંગ્રેસ તરફથી કરાયેલી રજૂઆત અને માંગણી પરત્વે ત્રણ દિવસમાં વિધાનસભા અધ્યક્ષને નિર્ણય લેવા અને અલ્પેશ ઠાકોરને રાધનપુરના ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરાવવા દાદ માંગવામાં આવી હતી. દરમ્યાન આજે અલ્પેશ ઠાકોર દ્વારા મહત્વનું સોગંદનામું રજૂ કરી એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે, તેણે કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું જ નથી પરંતુ કોંગ્રેસમાંથી તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું. વળી, રાજીનામાની વાત જે વોટ્‌સઅપના માધ્યમથી વાયરલ થઈ હતી તેમાં તેનો કોઇ વાંક કે ચૂક નથી અને તેમાં તેની કોઇ રીતે જવાબદારી બનતી નથી. તે પક્ષવિરોધી કે અન્ય કોઇ એવી પ્રવૃત્તિમાં સામેલ કે સંડોવણી ધરાવતા નથી અને તેથી તેને ગેરલાયક ઠરાવવાનો કોઇ પ્રશ્ન ઉભો થતો નથી. કોંગ્રેસે કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ કર્યો નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલું રાજીનામું કાયદેસરનું રાજીનામું ગણી શકાય નહિં અને તેના આધારે તેની સામે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પણ થઈ શકે નહીં. આ સંજોગોમાં કોંગ્રેસ તરફથી કરાયેલી રિટ અરજી ટકી શકે તેમ ના હોઇ હાઇકોર્ટે તેને ફગાવી દેવી જોઇએ. દરમ્યાન આ કેસમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તરફથી પણ બહુ મહત્વનું સોગંદનામું રજૂ કરી સ્પષ્ટ કરાયું હતું કે, વિધાનસભા અધ્યક્ષના કાર્યક્ષેત્રમાં અદાલતનો હસ્તક્ષેપ કોઇપણ રીતે ન્યાયોચિત કે યોગ્ય લેખાશે નહી. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ ગેરલાયક ઠરાવવા કોંગ્રેસ તરફથી કરાયેલી રજૂઆત વિચારાધીન છે અને તેની પર ઝડપથી નિર્ણય લેવાઇ જશે. સંભવતઃ ચાર મહિનામાં આ અરજી પર નિર્ણય લેવાઇ શકે તેમ તેમણે અદાલતને હૈયાધારણ આપી હતી. પરંતુ ત્રણ દિવસમાં નિર્ણય લેવાની કોંગ્રેસની માંગણી કોઇપણ રીતે યોગ્ય અને ટકી શકે તેમ નથી.