(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૩૧
કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપના નેતા શંકર ચૌધરી સાથે મુલાકાત કર્યા બાદ આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધ બારણે અડધો કલાક ચર્ચા કરતા અલ્પેશ ભાજપમાં જોડાઈ રહ્યો હોવાની વાત વહેતી થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્પેશ કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે ભાજપમાં જોડાય તો તેને કુંવરજી બાવળિયાની જેમ કેબિનેટ મંત્રીનું પદ મળી શકે તેવી ચર્ચા છે. આજ રોજ સવારે અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા તેમના સરકારી બંગલે પહોંચ્યા હતા. જેના કારણે ફરી અલ્પેશ ઠાકોર ભાજપમાં જાય છે તેવી અટકળો તેજ થઈ હતી, પરંતુ અલ્પેશ ઠાકોરે સીએમ રૂપાણી સાથેની મુલાકાત સ્પષ્ટ કરતા તેઓ ઠાકોર સમાજના યુવક સામે થઈ રહેલા પોલીસ કેસ સંદર્ભમાં મળવા ગયા હોવાનો બચાવ કર્યો હતો. ઠાકોર જ્ઞાતિમાં શિક્ષણનો અભાવ અને દારૂની બદીના મુદ્દે સામાજિક આંદોલન શરૂ કરનાર અલ્પેશ ઠાકોરનું લક્ષ્ય સત્તા સુધી જવાનું હતું. તે હવે એકદમ સાફ થઈ ગયું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના સંપર્કમાં હતા પણ ત્યારે ભાજપમાં તેમની દાળ નહીં ગળતા તેઓ કોંગ્રેસમાં ગયા અને ધારાસભ્ય પણ થયા, બીજી તરફ જે રીતે અલ્પેશ ઠાકોરે સેનાનો ઉપયોગ કરી સત્તા પ્રાપ્ત કરી અને પછી સેનાને ભૂલી ગયા તેની સામે ઠાકોર સેનામાં પણ નારાજગી વધી છે અને કોઈ પણ સમયે સેનાનું વિસર્જન થાય તેવા એંધાણ મળી રહ્યા છે. ર૦૧૭માં કોંગ્રેસને સત્તા નહીં મળતા અલ્પેશ ઠાકોર દ્વારા ભાજપ સાથે સંપર્ક વધારી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસમાં તેમને રાહુલ ગાંધી સાથે સીધો સંબંધ છે તેવું કહી પોતાનું ધાર્યું કરાવવા માગતા હતા, પણ તેમાં ખાસ સફળ થયા નહીં હવે ર૦૧૯માં જો ભાજપ તેમને લકોસભાની ટિકિટ આપે તો તેઓ કોંગ્રેસ છોડવા તૈયાર હોવાની જાણકારી મળી રહી છે. અલ્પેશ ઠાકોર સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી. એવી માહિતી મળી છે કે ધવલસિંહ ઝાલાને સાબરકાંઠા પોલીસ પરેશાન કરતી હોવાથી, રજૂઆત કરવા માટે કોંગ્રેસના બંને ધારાસભ્યોએ વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન સીએમ રૂપાણી અને અલ્પેશ ઠાકોર વચ્ચે અડધો કલાક સુધી ચર્ચા ચાલી હતી. જો કે મુલાકાત બાદ અલ્પેશે ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મુકતા આવું કંઈ જ ન હોવાનું જણાવ્યું હતું. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ધવલસિંહને પરેશાન કરવા બાબતે વિજય રૂપાણીએ સઘન તપાસ કરીને કાયદાકીય રાહે તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. અમારી આ મુલાકાત ઓફિસિયલ હતી. બીજી તરફ મુલાકાત અંગે સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, કોંગ્રેસના તમામ ધારાસભ્યો મને મળવા માટે આવતા રહે છે અલ્પેશ ઠાકોરની મુલાકાતમાં કંઈ નવું ન હતું.