(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૦
“જીસકા ડરથા બે દર્દી વહી બાત હો ગઈ” કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જો કે તેણે ખુલાસો કર્યો હતો કે, મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય પદેથી નહીં. એટલે કે અલ્પેશે જે પક્ષના નિશાન પર ચૂંટણી જીત્યો તે પક્ષને છોડ્યો પરંતુ પદ છોડવા માગતો નથી.
કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, જે ઠાકોર સેનાએ કોંગ્રેસ પાર્ટીને મદદ કરી વિધાનસભામાં ૭૭માંથી ૪૩ ધારાસભ્યોને જીતાડવામાં સિંહફાળો આપ્યો તે જ કોંગ્રેસે પહેલા દિવસથી જ જાણે અમારા કારણે કોંગ્રેસને કોઈ ફાયદો ન થયો હોય અને અમારા કારણે જ સરકાર ન બની તેવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો.
અલ્પેશે બીજી પાર્ટીમાં જોડાવા અંગે કહ્યું કે, પક્ષમાં ઠાકોર સેના વિરોધી માહોલ ઉભો કરવામાં આવ્યો છે. અમે કોઈ ધારાસભ્યો બીજી પાર્ટીમાં જોડાવાના નથી તેવું અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કર્યું હતું.
હું કોઈના માટે કે કોઈના વિરૂદ્ધમાં પ્રચાર નથી કરવાનો માત્ર અને માત્ર બનાસકાઠાં અને ઉંઝાની બેઠક પર ઠાકોર સેનાના ઉમેદવારો પ્રચાર કરીશું. વધુમાં રાજીવ સાતવના નામનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં જોડાયા ત્યારથી અમારા યુવાનોનું કોઈ યોગદાન ના હોય તેવું વર્તન અમારી સાથે કરવામાં આવ્યું છે. અમારા યુવાનોને સન્માન આપવામાં આવે અને પરિવાર જેવો માહોલ થાય તેવી આશા હતી.પરંતુ એવું ના થયું એનું દુઃખ છે. અમારા કેટલાક લોકો ને ચાલુ હોદ્દા પરથી કાપી નાંખવામાં આવ્યા છે. અમને ટિકિટ અને પદની લાલચ નથી. મેં એકજ વાત કરી અમારે સન્માન જોઈએ છે. રાજીવ સાતવે અમારી કોઈ વાત સાંભળી નથી.
અલ્પેશ ઠાકોરે સાફ શબ્દોમાં કોઈ પાર્ટીમાં જોડાવાના ન હોવાનું કહ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને ગરીબોની વાત કરી હતી. હું ગરીબ લોકોનો એજન્ટ છું સેનાનો એજન્ટ છું, ભાજપ કે કોંગ્રેસનો એજન્ટ નથી. અને કોઈ પણ પાર્ટીમાં નહીં જોડાય તેવી સાફ વાત ઉચ્ચારી દીધી હતી. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પાર્ટીનું નામ લીધા વિના કહી દીધું હતું કે, પાર્ટીમાં ટિકિટો વેચાય છે. કોંગ્રેસમાં અનેક જગ્યાએ વેપાર થયો છે. છેલ્લા ઘણા સમયથી મેં નારાજગી વ્યક્ત કરી હતી. સમય આવ્યે હું તમામ નેતાઓના નામ આપીશ. એમ તેમણે જણાવ્યું હતું.