અમદાવાદ, તા.ર૮
વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આંદોલનો અને રાહુલ ગાંધીને ગુજરાતની યાત્રામાં મળી રહેલા પ્રચંડ પ્રતિસાદથી ભાજપા માટે મુશ્કેલીઓ વધી છે ત્યારે ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોરે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. તમામ બેરોજગાર યુવાનોને રોજગાર આયોગના માધ્યમથી નોકરીઓ મળે જેવી ૯ માગણીઓ સરકાર સમક્ષ મૂકી. આ માગણીઓ સ્વીકારવા સરકારને પમી ઓકટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર હાલ જનાદેશ સમર્થન માટે રાજ્યના જુદા-જુદા સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે ૯મી ઓકટોબરે પોતાનો જનાદેશ જાહેર કરે તે પહેલાં સરકાર સામે ૯ માગણીઓ મૂકી છે. અલ્પેશ ઠાકોર રાજ્ય સરકાર સમક્ષ માગણી કરી છે કે રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, તમામ બેરોજગાર યુવાનોને રોજગાર આયોગના માધ્યમથી ૮પ % નોકરી મળે. તમામ પછાત નિગમો માટે સરકાર ગેરંટર બને, ઠાકોર અને કોળી વિકાસ નિગમ માટે વસ્તીના ધોરણે બજેટ ફાળવવામાં આવે. રામમંદિર અને રામ યુનિવર્સિટીને તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવે, તમામ સરકારી સ્કૂલોનો પી.પી.પી. ધોરણે વિકાસ કરવામાં આવે, તેમજ ગોચરનો સુરક્ષિત કરવામાં આવે અને દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે, ખંભાતના અખાતમાં બાબા સાહેબ આમ્બેડકરની વિશાળ પ્રતિમા મુકવામાં આવે તેમ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું. આ માગણીઓ સ્વીકારવા અલ્પેશે સરકારને પ ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે અને કહ્યું છે કે અગાઉ પણ આવા મુદ્દે અનેક વખત આવેદન આપવામાં આવ્યા છે.