પાટણ, તા.૬
રાધનપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે રાજ્યસભાની ભાજપ તરફી મતદાન કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા આજે રાધનપુર મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં રાધનપુર ધસી આવ્યા હતા અને વિવિધ બેનરો સાથે પટ્ટાણી દરવાજા પાસે એકઠા થઈ વિરોધ પ્રદર્શન સાથે અલ્પેશ ઠાકોરના પુતળાનું દહન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરોને અંકુશમાં લેવા પોલીસે રપથી વધુ આગેવાનોની અટકાયત કરી હતી.
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રાધનપુર બેઠક પરથી પુનઃ વિધાનસભાની ચૂંટણી લડે તે પહેલા જ સ્થાનિક મતદારો સાથે દગો કર્યાના બેનરો સાથે રાધનપુર, સમી અને સાંતલપુરના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. પટ્ટાણી દરવાજા પાસે મોટી સંખ્યામાં એકઠા થયેલા કોંગ્રેસના કાર્યકરોએ વિવિધ બેનરો સાથે દેખાવ કરી અલ્પેશ ઠાકોર હાય.. હાય..ના સૂત્રોચ્ચાર સાથે જબરદસ્ત આક્રમકરૂપ અપનાવ્યું હતું અને અલ્પેશ ઠાકોરના પુળતાનું દહન કર્યું હતું.
અલ્પેશ ઠાકોરે રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ફરી એકવાર રાધનપુર બેઠક પરથી જ ચૂંટણી લડી જીતી બતાવવાનું એલના કર્યું છે. તેની આ જાહેરાત સાથે જ સ્થાનિક મતદારો, ઠાકોર સેનાના કેટલાક કાર્યકરો અને કોંગ્રેસી આગેવાનોએ અત્યારથી જ તેની વિરૂદ્ધ રાજકીય લડતના મંડાણ કર્યા છે ત્યારે ઠાકોર સમાજના મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ફરી શંકરસિંહ વાઘેલાવાળી થાય તો નવાઈ નહીં..!
આ ઉપરાંત મોડી સાંજે પાટણના બગવાડા દરવાજા પાસે પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ એકઠા થઈ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી તેના પુતળાનું દહન કર્યું હતું. આ પ્રસંગે બાબુજી ઠાકોર, લાલેશ ઠક્કર, હુશેનમિયાં સૈયદ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા.