(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૪
કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપ સાથે જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ વહેતી થયા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આંદોલન કરતા કરતા રાજકારણમાં પ્રવેશેલા અલ્પેશ ઠાકોર ધારાસભ્ય બન્યા બાદ સીધા કોંગ્રેસના રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય થયા છે. ત્યારે તેમના ભાજપમાં જોડાવાની અટકળોએ ભારે ચર્ચા જગાવી છે અને અલ્પેશ ઠાકોરે તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટતા કરવી પડી છે. આ અંગે એક નિવેદનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે, ભાજપની લોકપ્રિયતા ઘટતી જતી હોવાથી કોંગ્રેસને અને આગેવાનોને બદનામ કરવા ભાજપા દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે. આ અફવા એક-બે દિવસથી નહીં પરંતુ છેલ્લા કેટલાક સમયથી આવી અફવાઓએ જોર પકડયું છે. અમે સરકારની નિષ્ફળ નીતિઓને ઉજાગર કરવા આંદોલન કરી રહ્યા છીએ ત્યારે મારી શાખને ઝાંખપ લગાવવા આવી અફવાઓ ફેલાવાઈ રહી છે. જે પણ અફવાઓ છે તમામ પાયાવિહોણી છે. હું કોંગ્રેસ પક્ષનો કાર્યકર છું અને રહેવાનો છું એમ જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે, ભાજપા દ્વારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની બદનક્ષી થાય તે રીતે તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપની સરકાર છેલ્લા રર વર્ષથી શાસનમાં છે છતાં લોકો માટે અને લોકોની સમસ્યા માટે કામ કરતી નથી આથી કોંગ્રેસે લોક સરકાર ચલાવવાનો પ્રયોગ કર્યો છે. જેને આવનારા સમયમાં કાર્યાન્વિત કરવામાં આવશે.