અમદાવાદ, તા.ર૦
પરપ્રાંતિયોને લઈને ભડકાઉ નિવેદનોના કારણે વિવાદમાં આવેલા અલ્પેશ ઠાકોરના માથે એક કરોડનું ઈનામ જાહેર થયું છે. મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડ નામના સંગઠને અલ્પેશ ઠાકોરનું માથુ વાઢનારને એક કરોડ રૂપિયા ઈનામ આપ્યાના પોસ્ટરો લગાવ્યા છે. યુપીના બહરાઈચમાં અલ્પેશ ઠાકોરની તસવીર સાથેના પોસ્ટર લાગ્યા હતા. આ મામલે અલ્પેશ ઠાકોરનું પ્રથમવાર મોટું નિવેદન બહાર આવ્યું છે. અલ્પેશે પણ લલકાર કર્યો છે. ડીસામાં તેમણે કહ્યું હતું કે, હું રાતે ૧૨ વાગ્યે પણ એકલો ફરૂ છુ. જેને મારવો હોય તે આવી જાય. અલ્પેશ ઠાકોર ડીસાના માણેકપુરા ગામે ગરબા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યાં જ્યાં ટૂંકા સંબોધન દરમિયાન કહ્યુ કે, મને મારવાના સપના જોનારાઓને કહું છું, રાત્રે ૧૨ વાગે પણ એકલો ફરૂં છું જેને મારવો હોય તે આવી જાય. આ જાહેરાત બાદ તુરંત અલ્પેશ ઠાકોરે આ બાબતે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. આજે તેમના નિવેદનને પગલે ફરી વિવાદ થાય તેવી સંભાવના છે.
મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડના અધ્યક્ષ મનાતા ભવાની ઠાકુરે આક્ષેપ લગાવ્યો કે, ઠાકોર અને તેમના સાથેના રાક્ષસી પ્રકૃતિના છે. જે દબાયેલા-કચડાયેલા ગરીબ મજુરો સાથે મારપીટ કરીને કાર્યરત દર્શાવે છે. આ લોકો દેશને તોડવાનું કામ કરે છે. તેમજ તેનો સૌ કોઈએ સાથે મળીને વિરોધ કરવો જોઈએ. તેમણે કહ્યુ કે, જો અલ્પેશ ઠાકોર ગુજરાત બહાર નહી નીકળે તો લોકો ગુજરાત પહોંચીને તેમનુ માથુ વાઢી નાખશે. જો કે, પોલીસે આ પ્રકારના પોસ્ટરો હટાવીને તાત્કાલીક અશાંતિ ફેલાવનારા તત્વો સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે. અલ્પેશ ઠાકોરએ ગુજરાત કોંગ્રેસના નેતા છે અને ઠાકોર સેનાના અગ્રણી છે. જેઓ સામે પરપ્રાંતવાદ ભડકાવાનો આરોપ લાગ્યો છે
આ મામલે બિહારમાં પણ કોંગ્રેસ અલ્પેશથી અંતર રાખતી હોય તેવું લાગે છે. બિહારના પહેલા મુખ્યપ્રધાન કૃષ્ણસિંહની જયંતીના પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ એકમ દ્વારા પટનામાં ૨૧ ઓક્ટોબરે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે બિહાર કોંગ્રેસ દ્વારા આરજેડીના નેતા તેજસ્વી યાદવ, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જિતનરામ માંઝી, મીરા કુમાર, શકીલ અહમદ અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, કોંગ્રેસ દ્વારા બિહાર ખાતેના પાર્ટીના સહપ્રભારી અને ગુજરાતના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરથી અંતર બનાવી લેવામાં આવ્યું છે. બિહાર કોંગ્રેસે પાર્ટીના સહપ્રભારી અલ્પેશ ઠાકોરને આગામી ૨૧ ઓક્ટોબરે કાર્યક્રમમાં સામેલ થવા માટેનું આમંત્રણ મોકલ્યું નથી. માનવામાં આવે છે કે, ગુજરાતમાં બિહારીઓ વિરુદ્ધ હિંસાને લઈને કોંગ્રેસ પાર્ટી બિહારમાં પોતાની થયેલી ફજેતીને ધ્યાનમાં રાખીને અલ્પેશ ઠાકોરને આમંત્રણ આપવાનું ટાળી રહી છે.