ભરતપુર, તા. ૧૮
અલવરમાં ગૌરક્ષકો દ્વારા હત્યા કરાયેલા મોહમ્મદ ઉમરના પરિવારમાં એક જ દિવસે જીવનના બે પાસાં જોવા મળ્યા હતા. મોહમ્મદ ઉમરની પત્ની ખુરશીદાને ઉમરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો તે જ દિવસે પ્રસવ પીડા ઉપડી હતી. બુધવારે સાંજે ખુરશીદાએ કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મર્હૂમ ઉમરના નવમા અને ચોથા પુત્રને જન્મ આપ્યો હતો. જોકે, કુદરતની ન્યાય જુઓ કે, જે દિવસે ઉમરનો મૃતદેહ ઘરે આવ્યો તેજ દિવસે તેનો પુત્ર પણ ઘરે આવ્યો હતો. ઉમરખાનના પરિવારના સભ્યો દ્વારા વિરોધ કરાતા તેની ઓટોપ્સી બુધવાર સુધી મુલત્વી રખાઇ હતી જે અંતે ગુરૂવારે થઇ હતી. ઉમરની કબર પર અઝાન આપનારા ઇમામે જ તેના પુત્રનું નામ ઇબરાન ખાન રાખ્યું છે. ઘાટમિખા ગામ ખાતે ૪૫ વર્ષનો ઉમર સુપૂર્દે ખાક થયો જ્યારે તેનો પુત્ર તે સમયે નિરાંતે ઉંઘી રહ્યો હતો. ૧૧મી નવેમ્બરે અલવરમાં પશુપાલક ઉમરખાનની ગૌરક્ષકો દ્વારા ગોળી મારી હત્યા કરાયા બાદ તેનું માથું કાપી નાખ્યું હતું. ઉમરનો ક્ષત વિક્ષત કરાયેલો મૃતદેહ ગોવિંદગઢ નજીક રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. ઉમરની હત્યા બદલ ભગવાનસિંહ ઉર્ફે કાલા અને રામવીર ગુર્જરની ધરપકડ કરાઇ છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ વર્ષે એપ્રિલમાં ૫૫ વર્ષના પેહલૂખાનની પણ ગૌરક્ષકો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી જેઓ પશુઓને મેળામાંથી ખરીદી લઇ જઇ રહ્યા હતા આ હત્યા બાદ સમગ્ર દેશમાં વિરોધ થયો હતો. મુસ્લિમ બહુમતીવાળું મેવાત પ્રાંત ગાયોને પાળવા માટે વિખ્યાત છે જ્યારે ગૌરક્ષકોની ગેંગો પશુઓની હેરફેર કરતા લોકોને નિશાન બનાવી રહી છે.