(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
દેશમાં સતત થઈ રહેલ મોબ લિંચિંગની ઘટનાઓથી કેવળ ભારતીય મીડિયામાં જ નહીં પરંતુ વિદેશી મીડિયામાં ચકચાર મચાવીને દેશને શરમજનક સ્થિતિમાં મૂકી દીધું છે. રાજસ્થાનના અલવરમાં રકબરની હત્યા સંસદમાં ચર્ચાનો વિષય બની હતી અને આરોપ છે કે અલવરના રામગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કથિત ગૌરક્ષકોએ રકબરની નિર્દયતાથી મારપીટ કરી જેને કારણે એનું મોત નિપજ્યું. એવી વાત પણ સામે આવી કે રકબરને હોસ્પિટલ પહોંચાડવામાં પોલીસે બેદરકારી દાખવી હતી. પોલીસે રકબરની મારપીટ બાદ સરકારી હોસ્પિટલ પહોંચાડવામાં ત્રણ કલાકનો સમય લીધો. જ્યાં ડોક્ટરોએ રકબરને મૃત જાહેર કર્યો હતો. દુનિયાના પ્રમુખ અખબારોએ પોતપોતાના અંદાજમાં આ અહેવાલને મહત્ત્વ આપ્યું છે, ધ ગાર્જિયને આ ઘટનાને ટોળાના હુમલાથી ઘાયલ શખ્સની મદદ પહેલાં ભારતીય પોલીસે ચા પીધી શીર્ષક સાથે પ્રસિદ્ધ કરી છે. અલ જઝીરાએ ‘ભારત : ગાયને પગલે થયેલ હત્યાને કારણે ગામમાં માતમ’ શીર્ષક સાથે અલવરની ઘટનાને પ્રકાશિત કરી છે. જેમાં લખ્યું છે કે ઉત્તર ભારતમાં ગાયને બચાવવા ગૌરક્ષકો હંમેશા ફરતા રહે છે. જેને લીધે ભારતમાં મુસ્લિમો પર અનેક હુમલાઓ થયા છે ! આ મુસ્લિમ વિરોધી હિંસક અપરાધોની પ્રથમ ઘટના નથી. આ ખબરને મલેશિયાની ન્યૂઝ વેબસાઈટ ‘ધ સન ડેઈલી’એ ‘ગાય લઈને જતા ભારતીય મુસ્લિમની ટોળા દ્વારા હુમલામાં હત્યા’ શીર્ષક સાથે પ્રકાશિત કરી છે. વિદેશી મીડિયાએ આ ઘટનામાં પોલીસની બેદરકારીનો પણ ઉલ્લેખ કરતા અહેવાલો પ્રકાશિત કર્યા છે. આ જ ખબરને સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટમાં પણ કવર કરવામાં આવી. અખબારમાં લખ્યું છે કે પીડિતને હોસ્પિટલમાં લઈ જવાને બદલે ચા પીવા રોકાતા ભારતીય પોલીસ વિરૂદ્ધ તપાસ. વિદેશી મીડિયામાં ફક્ત અલવરની જ ઘટના નહીં પરંતુ અગાઉ થયેલ મોબ લિંચિંગની ઘટનાઓને પણ પ્રકાશિત કરવામાં આવી છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સમાં કેન્દ્રીય મંત્રી જયન્ત સિંહાએ અલીમુદ્દીન અન્સારીની હત્યાના આરોપીઓને ફૂલહારથી સન્માનિત કરવાના અહેવાલ પણ આપ્યા છે. આ ખબરનું નફરતના નશામાં ભારતીય નેતાએ હત્યા કરનાર ટોળાનું સન્માન કર્યું એવું શીર્ષક આપ્યું. ‘ધ સન’માં આસામમાં ટોળા દ્વારા કરાયેલ મારપીટમાં બે યુવકોની હત્યાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ધ સનમાં વોટસઅપ મેસેજમાં ખોટી અફવાને કારણે બે યુવકોની હત્યા શીર્ષક હેઠળ ખબર પ્રકાશિત કરવામાં આવી હતી.