અમદાવાદ, તા.૭
અમદાવાદ શહેરમા આ વર્ષે પડેલા ભારે વરસાદને પરિણામે છ ઝોનમા તુટેલા રસ્તાઓ તેમજ આ રસ્તાઓને લઈને લોકોને પડી રહેલી ભારે હાલાકીનો મુદ્દો ફરી એક વખત આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમા સભ્યો દ્વારા કરવામા આવેલી રજૂઆત સમયે તંત્ર ઉપર ગાજ બનીને વરસ્યો હતો. આ સાથે જ શહેરના વિવિધ વિસ્તારમા આવેલા ઈડબ્લ્યુએસ કવાટર્સની હાલતને લઈને તાકીદે તેના રીપેરીંગ કરવાનો મુદ્દો પણ ચમકયો હતો.આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી આ બેઠકમા ફરી એક વખત શાસકપક્ષના કોર્પોરેટરો અને કમિટીના સભ્યો દ્વારા તેમના વિસ્તારના ખરાબ થઈ ગયેલા રસ્તાઓની પરિસ્થિતિ હવે કેટલા સમયમા સુધરશે એ મામલે પસ્તાળના સ્વરૂપમા તંત્રના અધિકારીઓ ઉપર વરસ્યો હતો. તંત્રના તમામ અધિકારીઓ હાલની પરિસ્થિતિમા આવતા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શીનજો અબે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા હોઈ તેની તડામાર તૈયારીમા લાગેલા છે ત્યારે ખુદ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને પણ તેમના રસ્તાઓની હાલત કયાં સુધીમા સારી જોવા મળશે તેનો કોઈ સંતોષકારક જવાબ અધિકારીઓ આપી શકયા ન હતા આ સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમા આવેલા આર્થિક રીતે નબળી આવક ધરાવતા લોકો માટેના કવાટર્સની ખરાબ હાલતને તાકીદે રિપેરીંગ કરવા મામલે પણ રજૂઆત કરવામા આવી હતી. બીજી તરફ બેઠકના અંતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણ પટેલે એક વાતચીતમા કહ્યું કે, આગામી ૧૩ તેમજ ૧૪ સપ્ટેમ્બરના રોજ આવી રહેલા બંને મહાનુભાવોની મુલાકાતને ધ્યાનમા લઈ અત્યાર સુધીમા કુલ ૭,૦૦૦ મેટ્રીકટન જેટલા ડામરની મદદથી વીઆઈપી રૂટ પરના આવતા રસ્તાઓ ઉપર માઈક્રોસરફેસની કામગીરી પુરી કરી લેવામા આવી છે. અન્ય રસ્તાઓનું શું તેમજ વધુ કોઈ પગલા લેવા મામલે બેઠકમા કોઈ ચર્ચા થઈ કે કેમ આ અંગે તેમણે કહ્યુ કે, હાલની પરિસ્થિતિમા કોઈ પગલા લેવાયા નથી ભવિષ્યમા લેવાશે. આશ્ચર્યજનક રીતે જે ત્રણ કોન્ટ્રાકટરોને કમિટી દ્વારા ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામા આવ્યા છે તેમની પાસેથી બાકીની કામગીરી પેવરબ્લોક શરૂ કરાવી કરાવવામા આવી રહી હોવાનું પણ તેમણે કહ્યું છે.
બ્લેકલિસ્ટ કરાયેલા ત્રણ કોન્ટ્રાક્ટરોને કામ સોંપાયું !

શહેરના રસ્તાઓ ઝડપથી રીસરફેસ થાય એ માટે કમિટી દ્વારા બ્લેકલિસ્ટ કરવામા આવેલા ત્રણ કોન્ટ્રાકટરો પાસેથી કામ લેવાના નિર્ણયને પગલે પૂર્વ વિપક્ષનેતા દ્વારા આકરી ટીકા કરવામા આવી છે તેમનુ કહેવુ છે કે,એક તરફ કમિટી તેમને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરે છે અને ફરી પાછા તેમને જ કામ સોંપે છે.ફરીથી પણ આ કોન્ટ્રાકટરો સારી કામગીરી કરશે એની બાંહેધરી કોણ લેશે.ખરેખર તો બ્લેકલિસ્ટ કરવામા આવ્યા બાદ જે તે કોન્ટ્રાકટર પાસેથી કામગીરી લેવાવી જ ન જોઈએ.તંત્રે આ કામગીરી કરવી જોઈએ.