(એજન્સી) કોલકાતા, તા. ૩
દેશ હાલ ‘સુપર ઇમરજન્સી’નો સામનો કરી રહ્યું છે તેમ કહેતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આશ્વાસન આપ્યું છે કે, લોકોને ન્યાય અપાવવા માટેની લડત ચાલુ રહેશે પછી ભલે એક લાખ ફરિયાદો મારી અને મારા પાર્ટીના સાથીઓ વિરૂદ્ધ કેમ ના થાય. પોતાની અને સિલચર એરપોર્ટ પર પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદો અંગે પ્રતિક્રિયા આપતા મમતા બેનરજીએ કહ્યું કે, તેઓએ અમારી સામે ફરિયાદો નોંધાવાનું શરૂ કર્યું છે. મજાની વાત એ છે કે હું બંગાળમાં બેઠી છું અને આસામમાં મારી વિરૂદ્ધ ફરિયાદ દાખલ થાય છે, સામાન્ય લોકોના અધિકાર માટે લડવા બદલ અમારી સામે એક લાખ એફઆઇઆર નોંધાય તો પણ અમને કોઇ ફેર પડતો નથી. મમતા બેનરજીએ કહ્યું કે, તેમણે દિલ્હીની મુલાકાત સમયે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને મળીને આશ્વાસન મેળવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે સામાન્ય લોકોની હેરાનગતિ કરવામાં નહીં આવે. મારો સવાલ એ છે કે, આજે અમારા સાંસદોને કેમ હેરાન કરવામાં આવ્યા ? તેમણે ફરીવાર ઉચ્ચાર્યું હતું કે દેશમાં હાલ સુપર ઇમરજન્સી ચાલી રહી છે અને હાલ દેશમાં કોઇ લોકતંત્ર નથી. પોતાના સાંસદોની મુલાકાત અંગે તેમણે કહ્યું કે, તેઓ સારા કામ માટે ગયા હતા. તેમણે સવાલ કર્યો કે, જો આસામમાં સામાન્ય અને શાંતિપૂર્ણ માહોલ હોય તો શા માટે બધા જિલ્લામાં ધારા ૧૪૪ લાગુ કરવી પડે ? અમારા સાંસદો અને ધારાસભ્યો એક બેઠકમાં કેટલાક લોકોને સંબોધીને પરત ફરી જવાના હતા. સામાન્ય લોકો માટે અમારી લડત ચાલુ રહેશે અને અમે અમારા ડગલાં પાછા લઇશું નહીં. દેશમાં હાલ લોકતાંત્રિક અધિકાર જેવું કાંઇ જ નથી. સિનિયર રિપોર્ટરને માર મારવામાં આવે છે, સરહદ પર તૈનાત આસામના જવાનો પોતાના પરિવાર માટે ચિંતિત છે.