(એજન્સી) તા.રપ
કોંગ્રેસની બે મહિલા સાંસદો રામ્યા હરિદાસ અને જ્યોતિમણિએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી હતી કે સોમવારે લોકસભાના માર્શલો દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, સુરક્ષાકર્મીઓએ અમારી પાર્ટીની મહિલા સાંસદો સાથે દુર્વ્યવહાર કર્યો છે. અમને પહેલાં સંસદમાં આવો અનુભવ કયારેય થયો નથી. અમે રાહ જોઈ રહ્યા છીએ કે જવાબદાર લોકો સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે. કોંગ્રેસ સાંસદ જ્યોતિમણિએ કહ્યું હતું કે, સુરક્ષાકર્મીઓએ અમારી સાથે દુર્વ્યવહાર કર્યો ત્યાં કોઈ મહિલા સુરક્ષાકર્મી હાજર ન હતી. અમે અપમાન અનુભવી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, સોમવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના સાંસદોએ મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે વિરોધ વ્યક્ત કરતાં ગૃહમાં પ્લેકાડ્‌ર્સ તેમજ બેનરો દર્શાવ્યા હતા. આ દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ માર્શલોને કોંગ્રેસના સાંસદોને ગૃહની બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસના સાંસદો અને માર્શલો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન કોંગ્રેસની બે મહિલા સાંસદો સાથે કથિત દુર્વ્યવહારની ઘટના બની હતી.