(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧ર
અમરનાથ યાત્રા ઉપર હુમલો થતાં હવે સોશિયલ મીડિયામાં જે-તે વખતે થયેલા અમરનાથ હુમલા ટાણે શિવસેનાના બાલ ઠાકરેએ મુસ્લિમો પ્રત્યે ભડકાઉ ભાષણ આપ્યું હતું તેની વીડિયો ક્લિપ ફરતી થઈ છે ત્યારે આ વીડિયો ક્લિપ ફરતી કરીને લોકોની લાગણીઓ ભડકાવવાના પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે ધર્મ પ્રત્યે તથા ધર્મ સાથે સંકળાયેલી બાબતો પ્રત્યે પ્રેમ હોય પણ એ પ્રેમને આંધળો કરીને કોઈ તમારા ખભે બંદૂક ફોડી જાય એવા નાદાન ના બનશો. તેવું નિવેદન પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે આપ્યું છે. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં હિંદુઓની કુલ ટકાવારી કેટલી છે? એમાંથી પટેલોની ટકાવારી કેટલી છે ? જ્યારે ગોધરાકાંડમાં માર્યા ગયેલા કે આજીવન કેદની સજા પામેલા કુલ હિંદુઓમાં પટેલોની ટકાવારી કેટલી છે? આ બધી ટકાવારીઓનો તાળામેળ કરજો એટલે ભાજપ આપણો ફાયદો ક્યાં અને કઈ રીતે ઉઠાવે છે એ ખબર પડી જશે અને ચૂંટણી નજીક આવે એટલે જ હિંદુત્વનો મુદ્દો કેમ ઉછળે છે એ પણ ખબર પડી જશે. અમરનાથ યાત્રા પર હુમલો ખૂબ ગુસ્સો અપાવે તેવું કૃત્ય છે જ. પણ એના લીધે હજયાત્રીઓને ધમકી આપવી કે જો અમરનાથ યાત્રા સુરક્ષિત નહીં હોય તો હજયાત્રા પણ સુરક્ષિત નહીં રહે, આ વાક્ય એક સાચા હિંદુનું ક્યારેય ના હોઈ શકે. સ્પષ્ટ દેખાય છે કે આ તમારી લાગણી ભડકાવવા એક રાજનૈતિક પક્ષની છાવણીમાંથી આવેલું વાક્ય છે. એમને એમ સૈનિકો પર દર બે-ત્રણ દિવસે આતંકવાદી હુમલો થાય ત્યારે કોઈને હજયાત્રીઓને ધમકી આપવાનું સૂઝતું નથી. અમરનાથ યાત્રા પર હુમલો થયો ત્યારે જ આવા સ્ટેટમેન્ટ કેમ? શું શહીદ થનાર સૈનિકોમાં કોઈ હિંદુ નથી હોતા? અને જો હજયાત્રા અસુરક્ષિત કરી શકો એટલો બધો દમ હોય તો પહોંચી જાઓ બોર્ડર પાર અને સીધો આતંકવાદીઓના કેમ્પ પર જ હુમલો કરો ને! હજયાત્રીઓને ક્યાં વચમાં લાવવાની જરૂર છે! આતંકવાદીઓના પૂતળાં કે પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ બાળવાથી ખાલી પ્રદૂષણ થાય અને તમને કંઈક કરવાનો આત્મસંતોષ મળે, બાકી એનાથી આતંકવાદીઓ અને પાકિસ્તાનને કંઈ તંબૂરોય ફરક ના પડે. પૂતળાં બાળવાં જ હોય તો જે ભાજપ સરકાર યાત્રીઓની સુરક્ષાની જવાબદારી પૂરી ના કરી શકી એના બાળો ને! તો બીજી વાર જાગતા રહે એમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.