(એજન્સી) નૌગામ, તા.૧૪
જમ્મુ-કાશ્મીરના નૌગામમાં ભારતીય સેનાના પાકિસ્તાની આતંકી અબુ ઇસ્માઇલને ઠાર કરવામાં આવ્યો છે. અમરનાથ યાત્રીઓ પર કરવામાં આવેલા હુમલામાં અબુ ઇસ્માઇલના હાથ હતો. જમ્મુ-કાશ્મીરમાં આતંકનો પર્યાય બની ચૂકેલા લશ્કર કમાન્ડર અબુ દુજાનાને આ વર્ષે પહેલી ઓગસ્ટના રોજ સુરક્ષાદળોએ એક અથડામણ દરમિયાન ઠાર કરવામાં આવ્યો હતો, જે પછી અબુ દુજાનાના સ્થાને કાશ્મીરમાં અબુ ઇસ્માઇલને લશ્કરનો નવો કમાન્ડર બનાવવામાં આવ્યો હતો. અબુ ઇસ્માઇલ અનંતનાગ અને આસપાસના વિસ્તારોના લશ્કરનો કમાન્ડર હતો. આ વર્ષે અમરનાથ યાત્રીઓ પર કરવામાં આવેલા હુમલાના સૂત્રધાર હોવાનો અને આ હુમલાને અંજામ આપવાનો આરોપ ઇસ્માઇલ પર હતો. હુમલામાં ૭ શ્રદ્ધાળુઓનાં મોત નિપજ્યાં હતાં. આશરે ૨૨ વર્ષીય ઇસ્માઇલ પાકિસ્તાનના મીરપુરનો રહેવાસી હતો અને ગત ચાર વર્ષોથી તે અનંતનાગ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય હતો. ગત વર્ષે ઘાટીમાં થયેલી બેન્ક લૂંટનીં ઓછામાં ઓછી ચાર ઘટનાઓમાં ઇસ્માઇલનું નામ સામે આવ્યું હતું. ગુપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર ઓક્ટોબર મહિનામાં કુલગામમાં બેન્ક લૂંટ, નવેમ્બર મહિનામાં બડગામમાં બેન્ક લૂંટ અને ડિસેમ્બર મહિનામાં પુલવામામાં બે બેન્ક લૂંટની ઘટનામાં તેની સ્પષ્ટ ભૂમિકા હોવાની વાત સામે આવી હતી.