(એજન્સી) રામબાન, તા.૧૬
રામબાન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર ધોરીમાર્ગ પર અમરનાથ યાત્રીઓને લઈ જતી એક બસ ઊંડી ખાઈમાં ગબડી પડતાં ૧૬ યાત્રાળુઓનાં મોત થયા હતા. જ્યારે ૩૦ જેટલા યાત્રાળુઓને ઈજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ગૃહમંત્રી રાજનાથસિંહે રાજ્યના મુખ્યમંત્રી મહેબૂબા મુફતી સાથે વાતચીત કરી હતી. યાત્રાળુઓને લઈને જતી બસ જમ્મુ-શ્રીનગર ધોરીમાર્ગ પર રામબાન જિલ્લામાં નુલ્લાહ નજીક ઊંડી ખાઈમાં પલ્ટી મારી ગઈ હતી તેમ પોલીસવડા મોહન લાલે જણાવ્યું હતું. અંદાજે ૩૦થી ૩પ મુસાફરો ઘાયલ થયા હતા. જેમાંના કેટલાકની સ્થિતિ ગંભીર છે. ૯ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હવાઈ માર્ગે જમ્મુ હોસ્પિટલ લઈ જવાયા હતા. બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું હતું. મૃતકોના પરિવારોને શોક સંદેશ પાઠવ્યો હતો. મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ અકસ્માતના બનાવને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા યાત્રાળુઓ યુપી-બિહાર, મધ્યપ્રદેશના હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.