સોમવારની રાત્રે અમરનાથની યાત્રા પૂરી કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ પર બટિંગુ વિસ્તારમાં આતંકી હુમલો કરાયો, જેમાં ગુજરાત-વલસાડ વિસ્તારમાં રહેતા પાંચ મહિલાઓ સહિત સાત શ્રદ્ધાળુઓ મોતને ભેટ્યા, અને ૧૯ જેટલા ગોળીઓથી ઘાયલ થયા. ઘાયલોને તાકીદે અનંતનાગ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
આ વેળા અમરનાથ યાત્રાળુઓ પર હુમલો થશે એવા ગુપ્તચર તંત્રીનો અહેવાલ હતો એટલે જમ્મુ-કાશ્મીર અને કેન્દ્ર સરકારે તંતોતંત બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેમાં ૪૦ હજાર જેટલા જવાનો હાઈવેના રસ્તાઓ પર, અન્ય જગાઓએ તહેનાત છે. તે છતાં બાઈક પર આવેલા બે-ત્રણ યુવાનો બે-ચાર મિનિટ ગોળીબાર કરીને ભાગી છૂટ્યા. એ સુરક્ષામાં કંઈક તો ભારે ચૂક થયાનો સંકેત આપે છે; જેની તપાસ થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી કરૂણ ઘટના અટકાવી શકીએ.
આવા જઘન્ય બનાવો માનવતાના નામ પર ભારે કલંક સમાન છે. વડાપ્રધાન, વિપક્ષી નેતા સોનિયાજી, ફારૂક અબ્દુલ્લાહ સહિતના સૌ કોઈએ આવા ક્રૂરતા પૂર્ણ હુમલાની ભારે નિંદા કરી છે. આ હુમલો લશ્કરના સંગઠને કર્યો હોવાનો જમ્મુ કાશ્મીરના ૈંય્નો અહેવાલ છે. આવા હુમલા કરનારા કાયરો જ ગણાય, કારણે દુનિયાનો કોઈપણ ધર્મ નિર્દોષોની હત્યા કરવા સંમતિ આપતો નથી. અને જે કોઈ ધર્મના નામે આવા આતંકી હુમલા કરે છે તે ધર્મને બદનામ કરવાનું જ કામ કરે છે. આવા હુમલા ન તો ધર્મની રીતે, કે માનવતાની રીતેય બરાબર નથી. એની જેટલી ભર્ત્સના કરીએ તેટલી ઓછી છે.
ગુજરાતના વલસાડની જે બસ પર આતંકી હુમલો થયો તે દુઃખદ બનાવ વચ્ચે માનવતાની મહેક પ્રસરાવતી ઘટના સૌ માટે હરખાવા જેવી છે; બસ ડ્રાઈવર સલીમે અંધાધૂંધ ગોળીઓ ચાલતી હતી ત્યારે પણ નીચા નમીને ગાડી બે કિ.મી. સુધી હંકારી મિલિટરી કેમ્પ સુધી લઈ જઈ યાત્રાળુઓના જીવ બચાવ્યા. આ ઘટના કોમી એકતાની ઉમદા મિશાલ છે એને બિરદાવવી રહી. આ દુઃખદ ઘટનાને ભારતભરમાંથી હિન્દુ-મુસ્લિમોએ ગંભીરતાપૂર્વક વખોડી કાઢી મુસીબતવેળા એકબીજા સાથે ખભેખભા મિલાવી ઊભા રહેવાની માનવતા પ્રજવલિત કરી છે.
યાત્રાળુ બસ પાછી ફરી રહી હતી ત્યારે તેના પર હુમલો કરાયો, કેટલાક અહેવાલ એવા છે કે, બસ રસ્તામાં પંકચર પડી એટલે એને પાછા ફરતાં રાત પડી ગઈ; સાઈટસીઈંગ (કુદરતી નઝારો) જોવામાં બસને રાત પડ્યાના અહેવાલ છે આમ અન્ય બે બસોથી એ વિખૂટી પડી ગઈ, વળી આ બસ અમરનાથ શ્રાઈન બોર્ડમાં નોંધાયેલી ન હતી જેથી સુરક્ષાબળોને તેના વિશે કોઈ માહિતી ન હતી. સુરક્ષાતંત્રના એજન્ડા મુજબ સાંજના પાંચ-છ વાગ્યા પછી એટલે કે સૂર્યાસ્ત પછી કોઈપણ યાત્રાળુ બસને પ્રવાસ કરવા માટેની પરવાનગી નથી. આમ જે ચૂક થઈ તેનો હુમલાખોરોએ ગેરલાભ લઈને આવો ગોઝારો હુમલો કર્યો. અગાઉ સન-ર૦૦૦માં અમરનાથ યાત્રાઓ પર હુમલો થયેલો જેમાં ૩૦ શ્રદ્ધાળુઓ ભોગ બનેલા. જમ્મુ-કાશ્મીરના બહુમતી લોકો અમરનાથ યાત્રાએ આવનાર શ્રદ્ધાળુઓને મદદરૂપ થાય છે, તેમને પણ રોજી-રોટી મળે છે. તેઓ એમને મહેમાન તરીકે માનતા હોય છે, ઈજ્જત કરે છે. એવા અનેક દાખલાઓ યાત્રાળુઓ જ્યારે યાત્રાથી પાછા ફરે ત્યારે વર્ણવે છે. જે મુઠ્ઠીભર લોકો જેઓ ધાર્મિક વિધિ માટે તેમના રાજ્યમાં પધાર્યા હોય તેમના પર હુમલો કરીને માનવતાવિહીન કૃત્ય કરી રહ્યા છે જેમને પકડીને કાયદેસરની સજા જમ્મુ-કાશ્મીરના સુરક્ષાતંત્રએ વહેલી તકે કરવી જોઈએ. યાત્રાળુઓ પરના આતંકી હુમલા પછી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અનંતનાગ પહોંચી ગયા, સાથે મક્કમતાપૂર્વક એવું એલાન કર્યું કે, યાત્રાળુઓ પરના હુમલા પછી પણ અમે યાત્રા ચાલુ રાખીશું. આ મક્કમતાથી હુમલો કરનારાઓને એક જબરદસ્ત સંદેશ જશે કે, તંત્ર મક્કમ છે, તે અમારા આવા કૃત્યથી ડરી ગયું નથી.
વિશ્વના દરેક ધર્મના અનુયાયીઓ પોતપોતાનો ધર્મ મક્કમતાપૂર્વક તેમની માન્યતાઓ મુજબ પાળવા સ્વતંત્ર છે, તેમની એ ગતિવિધિને એક-યા બીજી રીતે પડકારવી, કાયરતાપૂર્વક હુમલા કરી ડરાવવાની કોશિશ કરવી બરાબર નથી. તેઓ અન્ય ધર્મના અનુયાયીઓને આ રીતે ડરાવતા રહેશે તો પણ પોતાના ધર્મને ચુસ્ત રીતે પાળતા લોકો ક’દી પીછેહટ કરશે નહીં. આ ફક્ત જમ્મુ-કાશ્મીરના હુમલાખોરોને નહીં દરેકે દરેક ધર્મના આતંક, ડર ફેલાવી અન્ય ધર્મ પાળનારાઓને દબાવનારાઓને લાગુ પડે છે. તેઓ વેળાસર સમજી સીધો રસ્તો ગ્રહણ કરે નહીં તો તેમના માટે જરૂર બૂરે દિન આવશે.