પાલનપુર,ડીસા,તા.૩૦
રાજ્ય સહિત દેશભરમાં વાહનોની સંખ્યા વધતી જાય છે તો બીજી તરફ અકસ્માતોની ઘટનાઓમાં પણ સતત વધારો થતો જાય છે. જેમાં કેટલીક અકસ્માતની ઘટનાઓ મુસાફરી કરનારા લોકો માટે કાળ બનીને ત્રાટકે છે. આવી જ એક ઘટના અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે ઘટી છે. જેમાં અંબાજી દર્શન કરીને પરત ફરતા એક ખાનગી બસ પલટી ખાઈ જતા ર૧થી વધુ લોકોના મોતની આશંકા છે. જયારે ૩૦થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતનો ભોગ બનનાર મુસાફરો આણંદના ખેરોલ ગામના તેમજ બોરસદ, નડિયાદ આસપાસના હોવાની માહિતી સાંપડી છે.
અંબાજીથી દાંતા વચ્ચેના હાઇવે પર ચાર વાગ્યા આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી લકઝરી બસ અંબાજી જતા ત્રિશુલીયા ઘાટ નજીક વળાંક લેતા ખાઇમાં ખાબકી હતી. જેમાં અનેક મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હતા. ઘટનાસ્થળે બચાવ કામગીરીને યુધ્ધના ધોરણે કરાઈ રહી છે. ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, હાઈવે પર લાશો પડી હતી અને વરસાદી માહોલમાં રોડ પર લોહીથી લથપથ હતો.
ત્રિશુલિયા ઘાટ પાસે ખાનગી બસ પલટી મારતાં ઘટનાસ્થળે જ ૧૦થી વધારે લોકોના મોત થયા હતા. અકસ્માતને પગલે મુસાફરોની ચીચીયારીઓ ગુંજી હતી.હાઈવે પર દોડધામ મચી હતી.ઘટનાને પગલે દાંતા પોલીસે રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. જ્યારે બસમાં ફસાયેલાઓને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ રહી છે.ઘટનાસ્થળે ૧૦૮ સહિતની એમ્યુલન્સનો કાફલો દોડી ગયો હતો. બસ પલટાઇ જતા ૩૦થી વધુ ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફત તાત્કાલિક સારવારાર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાઇવે પર અકસ્માતને પગલે ગમગીનીભર્યા દ્રશ્યો સર્જાયો હતો. જ્યારે એક તરફ વરસાદ પણ વરસી રહ્યો હતો જેને પગલે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોની મદદ સાથે તંત્રએ બચાવની કામગીરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અહી થયેલા એક અન્ય અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

મુખ્યમંત્રી રૂપાણીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે યાત્રાળુ બસને થયેલા માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા કમનસીબ મુસાફર વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરી અકસ્માત અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરી વિગતો મેળવી હતી.મુખ્યમંત્રીએ આ અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિઓને તાત્કાલિક યોગ્ય સારવારનો પ્રબંધ કરવા પણ જીલ્લા કલેકટર અને તંત્રને સૂચનાઓ આપી હતી.