અમદાવાદ, તા. ર૮
સલામત સવારી એસ.ટી. અમારી એવું રૂપાળું સૂત્ર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે પરંતુ સલામત સવારી અસલામત એટલે કે, જોખમી બનતી જતી હોય તેમ જણાય છે. આજરોજ એસ.ટી. બસની બે દુર્ઘટના ઘટી હતી પરંતુ બંને બનાવમાં ડ્રાયવરોની સમયસૂચકતાથી ૯૦ જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
અમદાવાદથી અંબાજી જતી ગુર્જરનગરી એસટી બસ ખીણમાં ખાબકી હતી. જો કે, સદ્‌નસીબે બસમાં સવાર તમામ ૪૫ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી પ્રમાણે ગુજરાત પરિવહન નિગમની અમદાવાદથી અંબાજીની ગુર્જરનગરી એસટી બસ અંબાજી નજીક આવેલા રાણપુર પાસેથી પસાર થઇ હતી. ત્યારે રાણપુર ઘાટમાં રસ્તામાં અન્ય એક અકસ્માત થયો હતો. આ અકસ્માતને જોવા ડ્રાઈવરનું ધ્યાન તે બાજુ જતા એસટી બસના ડ્રાઇવરે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા પાસે આવેલી ૨૦ ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બસમાં સવાર ૪૫ જેટલા લોકોને બસમાંથી બહાર કાઢીને સલામત રીતે અંબાજી ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય અમરેલીમાં પણ એસટીનો અકસ્માત સામે આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે, અમરેલી લાઠી પાસે રોડ પર દોડતી એસ.ટી. બસનું ટાયર નીકળી ગયું હતું. આ ઘટનામાં ડ્રાયવરની સતર્કતાના કારણે ૪૦ મુસાફરોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. આ ઘટના ચાવંડ પાસે બની હતી. જ્યાં રાજુલા-અમદાવાદ રૂટની બસનું ટાયર નીકળ્યું હતું. આ અકસ્માતને જોતા એસ.ટી. વિભાગની બેદરકારી સામે અનેક પ્રશ્નો ઉદ્‌ભવી રહ્યા છે. સલામત સવારી કેટલી અસલામત છે તેનું જીવતું ઉદાહરણ આજની બે ઘટનાઓ પરથી મળે છે.