અમદાવાદ, તા.૧૭
અમરેલી જિલ્લાના આંબરડીમાં લાયન સફારી પાર્કનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સિંહ દર્શન માટે આવતા પ્રવાસન પ્રેમીઓને હવે સાસણ ઉપરાંત વધુ એક સફારી પાર્કમાં સિંહ દર્શનની તક મળતી થશે. વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત સરકારે અગાઉ વારંવાર ગીર પૂર્વ વિસ્તારના રક્ષિત વનમાં ઈકો ટુરિઝમ અને સફારી પાર્ક વિકસાવવાની કરેલી માગણીઓ તત્કાલીન યુપીએ સરકારે ધ્યાને લીધી જ નહિ, તેમને ગુજરાતના કોઈ પણ ક્ષેત્રના વિકાસમાં રોડાં નાખવાની પેરવીથી જ આ પાર્કને પણ ઘોંચમાં નાખી દીધો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતના અને દેશની જનતાના સદનસીબે વડાપ્રધાન પદે ભાજપના નરેન્દ્ર મોદીએ સુકાન સંભાળતા જ ગુજરાતના આ પ્રશ્નો સુખદ ઉકેલ આવી ગયા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગત પાંચમી જુન ૨૦૧૭એ આંબરડી સફારી પાર્કને કેન્દ્ર સરકારની પરવાનગી મળી અને રાજ્યના વન વિભાગે ખુબ જ ટૂંકા સમયમાં આ પાર્ક વિકસાવી તેનું લોકાર્પણ કરાયું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ સફારી પાર્ક સમગ્ર અમરેલી જિલ્લા માટે આર્થિક ઉત્કર્ષ અને સમૃદ્ધિનું દ્વાર બની રહેશે અને લોકો હવે સાસણને બદલે આંબરડી સફારી પાર્કની મુલાકાત લેતા થશે અને દેશ વિદેશના પર્યટકો આવતા થશે જેના થકી ધારી પ્રવાસનનું હબ બની જશે. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ સફારી પાર્ક સમગ્ર અમરેલી જિલ્લામાં આજે અનેકવિધ વિકાસકામો થઈ રહ્યા છે. આ કામો લોકોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખી વિકાસકામો કરવામાં આવી રહ્યા છે. આને જ સાચો વિકાસ કહેવાય આ વિકાસ અમારા માટે મિજાજ છે અને ગુજરાતની વિકાસયાત્રાને હવે કદાપિ કોઈપણ રોકી શકે તેમ નથી, કારણ કે આ માટે સરકાર સંકલ્પબદ્ધ રીતે આગળ વધી રહી છે.