અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના ઝપેટમાં આવેલા પોઝિટિવ દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. આથી હોસ્પિટલોનું ભારણ ઘટાડવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગ વાન શરૂ કરવામાં આવી છે. શહેરના સાત ઝોન વિસ્તારમાં આ વાન સ્થળ પર જઈને લાઈવ ટેસ્ટિંગ કરશે. આ ટેસ્ટિંગ વાન મારફત કન્ફર્મ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિના સેમ્પલ લેવામાં આવશે. ઉપરાંત કલ્સ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવેલ વિસ્તારોમાં પણ આ વાન મોકલવામાં આવશે. આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવેલા સર્વે બાદ જે તે શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ આ વાનથી લેવામાં આવશે. આ વાનમાં ટેસ્ટિંગનું સેમ્પલ કલેક્શન, નિષ્ણાંત ડૉક્ટર, આરવીએસકે મેડિકલ ઓફિસર, મલ્ટીપર્પઝ હેલ્થવર્કર, એટેન્ડન્ટ સહિત સર્વેલન્સ ટીમ હશે. આમ દરેક વાનમાં ૬થી વધુ લોકોની ટીમ છે. આ વાન દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું થર્મલ ગનથી ટેમ્પ્રેચર માપી સ્થળ પર જ સેમ્પલ લેવાશે.