(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૦
રાજ્યની સાથે દેશભરમાં ગાજેલ બહુચર્ચિત દહિયા કેસમાં પીડિતા મંગળવારે અમદાવાદ આવી પહોંચી હતી. પીડિતાએ પ્રથમ રાજ્યના પોલીસ વડા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે ગુજરાત મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોળિયાને મળ્યા હતા. તેણીએ ન્યાય મેળવવા રજૂઆત કરી હતી અને સાથે તેમ પણ જણાવ્યું હતું કે, “હું મારી દીકરીના હક્ક માટે આવી છું. આ દીકરી અમારી જ છે અને હું તેની સાબિતી માટે ડીએનએ ટેસ્ટ માટે પણ તૈયાર છું.” ગુજરાત મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોળિયાના જણાવ્યા અનુસાર લીનુંસિંહે કોઈ પુરાવા આપ્યા નથી પણ તેણીએ કહ્યું છે કે, તે પુરાવા લઈને ફરી આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સસ્પેન્ડેડ આઈએએસ દહિયાએ હાઇકોર્ટમાં કથિત ગુનાનું કાર્ય ક્ષેત્ર દિલ્હી પોલીસ હેઠળ આવતું હોવા છતાં ગુજરાત પોલીસ દ્વારા માત્ર ફરિયાદના મળેલ કાગળોના આધારે ખોટી રીતે હેરાનગતી કરવામાં આવી રહી છે તેઓએ હેરાનગતિનો આક્ષેપ કરતી અરજી કરી છે.