(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩
ગુજરાતમાં ભાજપ સરકાર રાજમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ખેડૂત ન હોય તેવા લોકોને ખેડૂત બનાવીને અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યાં છે. તેનો એક માત્ર દાખલો પુરાવા સાથે રજૂ કરી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે આજે પત્રકારોને જણાવ્યું હતું કે અમદાવાદના એક બિલ્ડર દ્વારા ખોટું પેઢીનામુ ઊભુ કરી રૂા. ર હજાર કરોડની જમીન કબજે કરી હોવાની વિગતો ખુલવા પામી છે.
અમદાવાદના એક બિલ્ડર દેવાંગ દિનેશભાઈ શાહ સદંતર ખોટું પેઢીનામું ઉભું કરીને ફતાજી ગગાજી પરમારના વારસદાર તરીકે પોતાની અટક છુપાવીને મહેમદાવાદ તાલુકાના ગોકળપુર ગામના સર્વે નંબર ૯૨ માં ખેડૂત તરીકે દાખલ થઈ ગયા હતા. વારસાઈ એન્ટ્રી મંજુર થાય તે પહેલા ખેડૂત પ્રમાણપત્ર મેળવી ને દેવાંગ દિનેશભાઈ શાહ ધ્વારા બાવળા તાલુકામાં તેમજ સાણંદ અને અન્ય જગ્યાઓ એ ઓછામાં ઓછો બજાર કિંમત જોતા ૨૦૦૦ કરોડની મિલકતો ખરીદી લેવામાં આવી હતી. ખોટું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ચકાસણીમાં એન્ટ્રી રદ થાય તે પહેલા દેવાંગ દિનેશભાઈ શાહે ફતાજી ગગાજીની જમીન માંથી પોતાનો હિસ્સો ઉઠાવી લીધો હતો. આમ કરવાથી ખોટું ખેડૂત પ્રમાણપત્ર પકડાય જ નહીં. દેવાંગ શાહે ગુનાહિત કૃત્ય કર્યું છે. અને તેના સામે ફોજદારી ગુન્હો દાખલ કરવા તેમજ મહેસુલી રાહે તેમની જમીનો જપ્ત કરવા કલેકટર ખેડા, મામલતદાર મહેમદાવાદ, RCD ખેડા વિગેરે સક્ષમ અધિકારીઓએ આદેશ કર્યા હતા આમ સ્પષ્ટ હકીકત છતાં ભાજપની સરકારના મોટા માથાઓના સીધા આશીર્વાદ અને બહુજ મોટી રકમની ફેરબદલના કારણે દેવાંગ શાહ સામે હજુ સુધી ફોજદારી ફરિયાદ પણ દાખલ નથી થઈ કે તેની જમીન ખાલસા કરીને સરકાર ખાતે ચડાવવામાં આવી નથી. કાયદાની જોગવાઈ મુજબ દેવાંગ શાહની ખોટા ખેડૂત તરીકે પ્રાપ્ત કરેલી તમામ જમીન સરકારે ખાલસા કરીને જમીન વિહોણા દલિત, આદિવાસી, બક્ષીપંચના ખેત મજદૂરોને સાથણી થી આપી દેવી જોઈએ. દેવાંગ દિનેશભાઈ શાહ નવરત્ન ઓર્ગેનાઇઝર એન્ટ ડેવલોપર્સ બિલ્ડર્સમાં MD અને મુખ્ય કર્તા હર્તા છે. આ બિલ્ડર ધ્વારા કલ્હાર બંગલોઝ, કલ્હાર એકઝોટીકા,કલ્હાર છ બ્લ્યુ એન્ટ ગ્રીન ગોલ્ફ ક્લબ,નવરત્ન બિઝનેશ પાર્ક,કૌસંબી,કનિષ્ઠ અને કદંબ જેવા ફ્લેટ્‌સ તેમજ સેન્ટ્‌લ મોલ ગુલમહોર મોલ અને કિંગ્સ સ્ક્વેર મોલ જેવા મોલ બનાવવામાં આવેલ છે.
આવા ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા દેવાંગ શાહના નવરત્ન બિઝનેસ પાર્કને ૨૦૧૭ની ચૂંટણી દરમ્યાન ગુજરાત સરકારે ભાગ્યે જ વાપરવાના અધિકારો કલમ ૨૯ નીચેના વાપરીને NOC આપી એક્સ્ટ્રા FSI ફાળવી ખુબ મોટો ફાયદો કરાવ્યો હતો. જે બતાવે છે કે દેવાંગ દિનેશભાઈ શાહ સાથે ભાજપની સીધી સાંઠગાંઠ છે.

જમીન ખાલસા ન કરવાના કૌભાંડ અંગે
હાઈકોર્ટના જજ દ્વારા તપાસ કરાવવા માંગ

(૧) કલેકટરના હુકમ પછી પણ પોલીસ કેસ નહીં થવાના અને જમીન ખાલસા નહીં થવાના કૌભાંડ માટે હાઈકોર્ટના જજની દેખરેખ નીચે તપાસ કરવામાં આવે.
(૨) તાત્કાલિક અશરથી FRI દર્જ કરવામાં આવે અને દેવાંગ શાહ તથા તેના જેવા ખોટા ખેડૂત બનેલાઓની જમીન ખાલસા કરી ખેત મજૂરોને આપી દેવામાં આવે.
(૩) ૨૦૦૦ કરોડની કિંમતીની જમીનો ખરીદનાર દેવાંગ શાહની આવક તપાસવામાં આવે અને કોઈ રાજકીય મોટા માથા કે મોટા સનદી અધિકારીનું કાળું નાણું રોકાયેલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવે.
(૪) બિનખેડૂત ખેડૂત ન જ બની શકે તેવો કેન્દ્રીય કાયદો હોવા છતાં આ કાયદાની જોગવાઈથી વિરૂદ્ધ જે કંઈ પરિપત્રો કે પત્ર વ્યવહારો થયા હોય તે અલ્ટ્રાવાઇરસ ગણાય. આથી તે તાત્કાલિક રદ થવા જોઈએ.
(૫) ગુજરાતના તમામ કલેકટરે આ પ્રકારના કિસ્સાઓમાં તાત્કાલિક કાર્યવાહી કરે અને જો તે ચૂક કરેતો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.