દિલ્હીની જામિયા અને અલીગઢ યુનિ.ના વિદ્યાર્થીઓ પર પોલીસે આચરેલી બર્બરતાના વિરોધમાં અમદાવાદમાં IIM બહાર વિરોધ પ્રદર્શન

એનઆરસી અને સીએવી બિલ કેન્દ્ર સરકારે મંજૂર કરતાં દેશભરમાં વિરોધનો વંટોળ શરૂ થઈ ચૂકયો છે. અત્યાર સુધી પૂર્વોત્તર રાજ્યો સુધી સિમિત રહેલો વિરોધ હવે દેશભરમાં ફેલાઈ રહ્યો છે. રવિવારે દિલ્હીમાં તમામ મોટી યુનિ.ઓના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો એનઆરસી અને સીએબી (કેબ)ના વિરોધમાં રોડ પર ઉતરી આવ્યા હતા. ગુજરાતમાં પણ રોજેરોજ વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે ત્યારે ગતરોજ ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ પ્રચંડ વિરોધ પ્રદર્શન બાદ સોમવારે અમદાવાદના આઈઆઈએમ કેમ્પસ બહાર અલ્પસંખ્યક અધિકાર મંચના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. દિલ્હીની જામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિ.માં પોલીસે આચરેલી બર્બરતાના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં આઈઆઈએમના વિદ્યાર્થીઓ ઉપરાંત સેપ્ટ, અમદાવાદ, આઈઆઈએમ, એચ.કે.કોલેજના પ્રોફેસરો, કર્મશીલો, નેતાઓ વગેરે જોડાયા હતા. આથી પોલીસે દેખાવો કરતાં રાહુલ તેજસ્વીની, નંદિતા સ્વામી, સરૂ ચાવડા, અમદાવાદ યુનિ.ના પ્રોફેસર રઘુ રંગરાજન, આઈઆઈએમના પ્રોફેસર નવદીપ મધુર હર્ષ સિંગર, ઈકરામ બેગ મિર્ઝા, એડવોકેટ શમશાદખાન પઠાણ, મ્યુનિ. કાઉન્સિલર ઈકબાલ શેખ, એચ.કે.કોલેજના પ્રોફેસર હેમંત શાહ સહિત મોટી સંખ્યામાં આગેવાનોની અટકાયત કરી હતી.

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૬
દિલ્હીની જામિયા યુનિવર્સિટી અને અલીગઢ યુનિ.ના અહિંસક દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે બેફામ લાઠીચાર્જ અને ટીયરગેસ, ગોળીબાર કરી ર૦૦થી વધુ વિદ્યાર્થીઓને ઈજાગ્રસ્ત કરતા દેશભરમાં વિરોધનો વંટોળ ઊડી રહ્યો છે. વિદ્યાર્થીઓ પર પોલીસની બર્બરતાના વિરોધમાં અલ્પસંખ્યક અધિકાર મંચ દ્વારા આઈઆઈએમ અમદાવાદ બહાર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં પોલીસે ૬૦ જેટલા દેખાવકારોની અટકાયત કરી હતી. એનઆરસી અને નાગરિકતા સુધારા બિલ (સીએબી)ના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પૂર્વોત્તર રાજ્યોમાં થઈ રહેલી હિંસા અને ઉગ્ર વિરોધ પ્રદર્શનો વચ્ચે દિલ્હી અને ગુજરાતમાં પણ વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. દિલ્હીમાં ગતરોજ જામિયા યુનિવર્સિટી અને અલીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શાંત દેખાવો કરી રહ્યા હતા, ત્યારે એક બસને આગ ચાંપવામાં આવી હતી. આ ઘટનાનો આશરો લઈ પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ અને પથ્થરમારો શરૂ કરી લીધો હતો. જો કે, સોશિયલ મીડિયા પર પોલીસે જ બસને આગ ચાંપી હોવાનો વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. પોલીસે જામિયામાં ઘૂસી અંધાધૂંધ ટીયરગેસ અને ગોળીબાર કરતા ત્રણેક વિદ્યાર્થીઓનાં મોત અને ડઝનબંધ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના વિરોધમાં અમદાવાદના અલ્પસંખ્યક અધિકાર મંચ દ્વારા આઈઆઈએમ અમદાવાદ બહાર દેખાવો કરવાનું એલાન કર્યું હતું. આ દેખાવોમાં આઈઆઈએમના વિદ્યાર્થીઓ, આઈઆઈએમ સહિત અમદાવાદ અને સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો, વકીલો, કર્મશીલો સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા હતા. જો કે વિરોધ કરવા આવેલા ૫૦ જેટલા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ લોકો પાસે વિરોધ કરવાની મંજૂરી નહોતી જ્યારે બીજી બાજુ દેખાવકારોએ જણાવ્યું હતું કે અમે મંજૂરી માંગી હતી પરંતુ અમને વિરોધ કરવાની મંજૂરી આપવામાં ન આવી. પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવ્યા બાદ તેમને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન બહાર પણ લોકોની ભીડ ઉમટી હતી અને જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમેને છોડવા માટે માંગ કરાઈ હતી. આ દરમિયાન દેખાવકારોએ ગુજરાત ‘પોલીસ મુર્દાબાદ‘ અને ‘ઈન્કલાબ ઝિંદાબાદ‘ના નારા લગાવ્યા હતા. માત્ર એટલું જ નહીં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું અને પ્રદર્શનકારીઓને ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરવાની ફરજ પડી હતી.