અમદાવાદ, તા. ર૮
ઉનાળારૂપી અજગરે જોરદાર ભરડો કસતાં અત્યારથી સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો માહોલ જામી ગયો છે. માત્ર દસ દિવસના ટૂંકા ગાળામાં તાપમાનનો પારો ૮થી ૧૦ ડિગ્રી જેટલો વધ્યો છે. જેને પરિણામે લોકો અંગ દઝાડતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હિટવેવની આગાહી વચ્ચે આજે રાજ્યમાં અમરેલી ખાતે ૪ર.પ અને અમદાવાદ તથા સુરેન્દ્રનગરમાં ૪ર ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે છેલ્લા કેટલાય વર્ષોમાં માર્ચ મહિનાનું વધુ તાપમાન ગણાય. જ્યારે આગામી દિવસોમાં હજુ પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ૪૮ કલાકમાં હિટવેવની આગાહી કરવામાં આવી હતી. જે સાચી ઠરી રહી છે.
હવામાન વિભાગના ગત ૩ દિવસના આંકડા અનુસાર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. આજના ગરમીના આંકડા પર નજર કરીએ તો આજે અમરેલીમાં ૪ર.પ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બની ગયું છે. જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં તાપમાન ૪ર ડિગ્રી નોંધાયું છે.
હોળી પૂરી થતાં જ ગરમીનું પ્રમાણ વધે છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી તે સાચી ઠરી છે. રાજ્યમાં અનેક સ્થળોએ તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચ્યું છે, ત્યારે આગામી ૪૮ કલાક દરમિયાન હિટવેવની આગાહી આપવામાં આવી છે. સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે. પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ, સુરત, વલસાડ, નવસારી જિલ્લામાં સીવિયર હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. માર્ચના અંતમાં લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડશે. વાત કરીએ અન્ય સ્થળોની તો ભૂજમાં ૪૧.૮, વડોદરામાં ૪૧.૬, રાજકોટમાં ૪૧.૩, ડીસામાં ૪૦.૮, સુરતમાં ૪૦.૬, વી.વી.નગરમાં ૪૦.૧, ગાંધીનગરમાં ૪૦, કંડલા એરપોર્ટમાં ૩૯.૯ જ્યારે ભાવનગરમાં ૩૯.૪ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું હતું. કાળઝાળ ગરમીની અસરથી જનજીવન પ્રભાવિત થયું છે, જેને પગલે બપોરના સમયે ધમધમતા રોડ-રસ્તા અને બજારો સૂમસામ ભાસવા લાગ્યા છે. લોકો કામ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે.
બીજી તરફ આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.