અમદાવાદ, તા.૧
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પ્રદૂષિત પાણીની અનેક ફરીયાદો ઉઠવા પામી છે જેને કારણે શહેરના વિવિધ ભાગોમાં મળીને આ વર્ષે આઠ માસમાં જ ઝાડા ઉલ્ટીના કુલ મળીને ૭૧૪૬ જેટલા કેસ નોંધાવા પામ્યા છે જેની સામે એક વ્યકિતનુ મોત થવા પામ્યુ છે.આ અંગે મળતી માહીતી પ્રમાણે અમદાવાદ શહેરમા આ વર્ષની શરૂઆતથી જ શહેરના મધ્યઝોનમા આવેલા કોટ વિસ્તાર કે જેમા ખાડીયા, કાલુપુર, રાયપુર, શાહપુર, દરીયાપુર, જમાલપુર સહીતના વિસ્તારો ઉપરાંત પૂર્વના ગોમતીપુર, રખીયાલ, બાપુનગર, દક્ષિણઝોનમા આવેલા બહેરામપુરા, ખોડિયાર નગર, દાણીલીમડા સહીતના અનેક વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરા પાડવામા આવી રહેલો પાણી પુરવઠો પ્રદૂષિત આવતો હોવાની વ્યાપક ફરીયાદો મ્યુનિસિપલ તંત્ર સમક્ષ કરવામા આવી છે આમ છતાં આ ફરીયાદોનો સમયસર નિકાલ કરવામા ન આવતા મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર સુધી પણ પ્રદૂષિત પાણી અંગેની ફરીયાદો કરવામા આવી છે આ અંગે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર દ્વારા પણ તંત્રના હેલ્થ અને ઈજનેર વિભાગના ઉચ્ચ અધિકારીઓને તેમના નેતૃત્વમાં યોજવામા આવતી વીકલી રીવ્યુ બેઠકમા પણ અવાર નવાર પોલ્યુશનની ફરીયાદોનો તાકીદે નિકાલ કરવા સુચના આપી હતી.મ્યુનિસિપલ કમિશનરના વડપણ હેઠળ દર માસના ત્રીજા શનિવારે આયોજિત કરવામા આવતી ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠકમા પણ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમા વ્યાપક બનેલી પોલ્યુશનની વ્યાપક ફરીયાદો મામલે મ્યુનિસિપલ કમિશનરને તાકીદે ફરીયાદોનો નિકાલ લાવવા માટે ઉગ્રતાથી રજુઆત કરવામા આવી હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના જ ઈજનેર અને હેલ્થ વિભાગ વચ્ચે સંકલનના અભાવને કારણે આ પ્રકારની ફરીયાદોનો નિકાલ સમયસર કરવામા ન આવતા આ વર્ષના આઠ માસમાં શહેરમા કુલ મળીને ઝાડા ઉલ્ટીના ૭૧૪૬ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.સાથે જ ઝાડા ઉલ્ટીથી એક વ્યકિતનુ મોત થવા પામ્યુ છે.ગત વર્ષે-૨૦૧૬મા શહેરમા ઝાડા ઉલ્ટીના કુલ મળીને ૮૫૫૧ કેસ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમા નોંધાવા પામ્યા હતા.
ઝાડા-ઉલ્ટીના કેસો

શહેરના વિવિધ ભાગોમાં મળીને આ વર્ષે આઠ માસમાં જ ઝાડા ઉલ્ટીના કુલ મળીને ૭૧૪૬ જેટલા કેસ નોંધાવા પામ્યા છે જેની સામે એક વ્યકિતનુ મોત થવા પામ્યુ છે.
વર્ષ કેસ
૨૦૧૩ ૭૨૯૯
૨૦૧૪ ૮૪૭૪
૨૦૧૫ ૬૯૯૫
૨૦૧૬ ૮૭૪૭
૨૦૧૭ ૭૨૪૪
(ઉપરોકત આંક મ્યુ.હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોમા નોંધાયેલા કેસ સાથેના છે)