અમદાવાદ, તા.૨૪
‘પદ્માવત’ ફિલ્મના વિરોધને લઈને મંગળવારે સાંજે પાંચ જેટલા મલ્ટિપ્લેક્સ સિનેમાઓને ટાર્ગેટ કરી રાજપૂત કરણી સેના સહિતના ટોળાએ રીતસર શહેરને બાનમાં લઈ તોડફોડ અને વાહનોને આગચંપી કરી હતી. આ ઘટનામાં પોલીસે કેટલાક યુવકોની ધરપકડ કરી હતી ત્યારે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આ કાવતરૂ ગઈકાલે બપોરે સાણંદ ખાતે ઘડવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. પદ્માવત ફિલ્મના વિરોધને લઇ ગઇકાલે મોડી સાંજે કરણી સેના અને રાજપૂત સમાજના કાર્યકરો સહિતના તોફાની ટોળાઓએ શહેરના હિમાલયા મોલ, અમદાવાદ વન મોલ અને એક્રોપોલિસ ખાતેના પીવીઆર સહિતના પાંચેક મલ્ટિપ્લેક્સ ખાતે ૧૦૧થી વધુ વાહનોમાં આગચંપી અને તોડફોડના ચકચારભર્યા પ્રકરણમાં શહેર પોલીસે હાથ ધરેલી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો કે, શહેરમાં આગચંપી અને તોડફોડ કરી શાંતિ ડહોળવાનું કૃત્ય એ કરણીસેનાનું પૂર્વઆયોજિત કાવતરૂં હતું અને આ કાવતરૂં સાણંદ ખાતે કરણી સેનાના આગેવાનોની બેઠકમાં ઘડવામાં આવ્યું હતું. આ સાથે જ સેટેલાઇટ પોલીસમથકમાં એક અને વસ્ત્રાપુર પોલીસમથકમાં ત્રણ એમ મળી કુલ ચાર ગંભીર ગુનાઓ આ કાર્યકરો સહિતના તોફાની ટોળાઓ વિરૂધ્ધ દાખલ કરાયા છે અને કુલ ૪૫થી વધુ આરોપીઓની ધરપકડ કરી દરમ્યાન શહેરમાં પદ્માવત ફિલ્મના વિરોધને લઇ કરણી સેના, રાજપૂત સમાજ કે ક્ષત્રિય સમાજ દ્વારા આ પ્રકારની અન્ય કોઇ તોફાની હરકતને અંજામ આપવામાં ના આવે તે માટે શહેર પોલીસે સમગ્ર શહેરમાં ખાસ કરીને મલ્ટિપ્લેક્સ અને શોપીંગ મોલ્સ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. સાથે સાથે શહેરભરમાં રેપીડ એકશન ફોર્સ અને એસઆરપીએફનું ફલેગ માર્ચ અને પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગની અસરકારક કામગીરી શરૂ કરી દેવાઇ છે. શહેરના પાંચેક મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં તોડફોડ અને વાહનોની આગચંપીની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, આ તોડફોડ અને આગચંપીનું સમગ્ર કાવતરૂ સાણંદમાં ઘડાયું હતું. તપાસમાં એવી વિગતો પણ બહાર આવી હતી કે, રાજપૂત સમાજ અને કરણી સેનાના આગેવાનોને કેન્ડલ માર્ચના બહાને સમગ્ર કાવતરાને અંજામ આપ્યો હતો. પોલીસે હવે શહેરભરમાં ખાનગી અને સાદા ડ્રેસમાં પણ પોલીસને સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરી દીધી છે કે જેથી તોફાની તત્વોની એકેએક હરકત પર નજર રાખી શકાય.