અમદાવાદ, તા.૬
અમદાવાદ શહેરમાં હાલ બે ઋતુનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે આ પરિસ્થિતિમાં વિવિધ વિસ્તારોમાં મચ્છરજન્ય એવા મેલેરીયા, ઝેરી મેલેરીયા અને ડેન્ગ્યુ સહિતના રોગના ચાર જ દિવસમાં ૧૫૦ જેટલા કેસો નોંધાવા પામ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરના વાતાવરણમાં છેલ્લા કેટલાક સમયથી ફેરફાર જોવા મળી રહ્યો છે.જેમાં દિવસના સમયે ગરમી અને રાત્રીના સમયે શહેરીજનો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.આ પરિસ્થિતિમાં તંત્રના અનેક પ્રકારના દાવાઓની વચ્ચે વિવિધ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગના કેસોની સંખ્યામા સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે.એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર,શહેરના વિવિધ વિસ્તારોમાં મળીને આ માસની શરૂઆતના ચાર દિવસની અંદર મેલેરીયાના કુલ ૯૧ કેસ અને ઝેરી મેલેરીયાના કુલ ૨૩ જેટલા કેસ નોંધાવા પામ્યા છે આ સાથે જ ડેન્ગ્યુના કુલ ૧૨ કેસ નોંધાવા પામ્યા છે.મ્યુનિસિપલ તંત્ર તરફથી એ પ્રકારના દાવા કરવામા આવે છે કે,શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા ઓપીડી કે ઈન્ડોર વિભાગના દર્દીઓની રોજેરોજની આંકડાકીય વિગતો મેળવવામા આવી રહી છે જ્યારે બીજી તરફ વાસ્તવિક રોગચાળાના આંકડા પણ છુપાવવામાં આવી રહ્યા છે.કેમકે જો હેલ્થવિભાગના અધિકારીઓ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાનગી તબીબોના દવાખાના કે હોસ્પિટલમાં રાઉન્ડ લે તો ખ્યાલ આવી શકે કે આ તબીબોને ત્યાં મચ્છરજન્ય રોગથી પીડાઈ રહેલા દર્દીઓની સંખ્યા ખરેખર કેટલી છે.દિવાળી પર્વ પછી તો શહેરમાં બે ઋતુના કારણે તાવ ઉપરાંત શરદી,ખાંસી સહિતની બીમારીના પણ કેસો આ તબીબો પાસે આવી રહ્યા છે.ડેન્ગ્યુના ખરેખર કેસોની વિગતો પણ તંત્ર દ્વારા છુપાવવામા આવી રહી છે.અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આ વર્ષની શરૂઆતથી પ્રદૂષિત પાણીની સમસ્યા વકરેલી છે.મ્યુનિસિપલ કમિશનર પણ આ અંગે હેલ્થ અને ઈજનેર વિભાગના ઉચ્ચ અધિકારીઓને વારંવાર ટકોર કરી ચુકયા છે આમ છતાં ફરિયાદોનો સમયસર નિકાલ ન કરવામા આવતો હોવાના કારણે દરેક વખતની જેમ આ માસમા પણ માત્ર ચાર દિવસમાં ઝાડા ઉલ્ટીના કુલ મળીને ૭૬ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ પાણીજન્ય એવા કમળાના પણ ચાર દિવસની અંદર ૩૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.જયારે ટાઈફોઈડના ૬૧ કેસ નોંધાવા પામ્યા છે.