અમદાવાદ, તા.૮
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાતની ભાજપ સરકાર માટે પાટીદારોનો મુદ્દો માથાના દુખાવા સમાન બની શકે તેવું લાગી રહ્યું છે. અમદાવાદના પૂર્વમાં આવેલા ઠક્કરબાપા નગર વિસ્તારમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રીને પાટીદારોને રોષના ભોગ બનવું પડ્યું હતું. જ્યારે મંત્રીને ઘેરી મહિલાઓ દ્વારા ધક્કા મૂક્કી કરાતા મંત્રીનો ઝભ્ભો ફાટી ગયો હતો અને ત્યાંથી તેમને ભાગવું પડ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે પાટીદારોનો અનામતનો મુદ્દો ફરી રાજ્ય સરકાર માટે ચિંતા ઉપજાવનારો બન્યો છે. તાજેતરમાં જ પાટીદાર યુવાનોએ મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ઘેરી લેતા પરિસ્થિતિ વણગી હતી. ત્યારે શુક્રવારે ફરી એકવાર ભાજપના એક અન્ય મંત્રીનો પાટીદારો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો. અમદાવાદના ઠક્કરબાપા નગર રાજ્ય વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાનો પાસના કન્વીનરોએ વિરોધ કર્યો હતો સાથે જ તેમણે સરકાર પાટીદારો સાથે પૂર્વગ્રહ રાખતી હોવાની રજૂઆત પણ કરી હતી. આ ટોળામાં મહિલાઓ પણ હતી જેમણે મંત્રીનો ઘેરાવ કરતા ધક્કા મૂક્કીમાં મંત્રીનો ઝભ્ભો ફાટી ગયો હતો. ત્યારે પરિસ્થિતિને સમજી જતા અને ટોળાનો રોષ જોતા મંત્રી પોલીસ રક્ષણ હેઠળ ગાડીમાં ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.