અમદાવાદ,તા.૧૨
અમદાવાદ શહેરમાં હવામાં ઠંડક વધતાંની સાથે જ હવામાં પ્રદૂષણની માત્રાનો ઇન્ડેક્સ ૨૫૪ થયો જે હવા ખરાબ હોવાનું દર્શાવે છે. વહેલી સવારથી શહેરની હવા ખુબજ ખરાબ જોવા મળી છે. આંકડા મુજબ, શહેરના બોપલ ૨૭૩, પીરાણા ૩૧૨, ચાંદખેડા ૧૯૯ અને નવરંગપુરા ૧૯૩ હવા પ્રદૂષણ જોવા મળ્યું છે. પ્રદૂષિત હવાના કારણે શહેરમાં કેટલાક લોકો શ્વાસને લગતી બીમારીઓના શિકાર બન્યા છે. અમદાવાદમાં ધૂળના રજકણો, વાહનોના ધુમાડા, કન્સ્ટ્રક્શન સાઈટ, ઔદ્યોગિક પ્રદૂષણ સહિતના કારણોથી હવામાં પ્રદૂષણની માત્રા વધી રહી છે. એસજી હાઈવે પર પ્રદૂષણના કારણે સાંજ પહેલાં જ ધુમ્મસની હળવી ચાદર છવાઈ જવાના નજારા જોવા મળ્યા છે. ઠંડીમાં હવાના ઉપરના લેવલનું દબાણ હોવાથી પ્રદૂષણ નીચેની હવામાં સ્થિર થતું હોય છે. પ્રદૂષિત હવાના કારણે અમદાવાદમાં અસ્થમાથી પીડાતા લોકોની સંખ્યામાં ૪૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દર્દીઓમાં મોટાભાગના લોકોની ઉંમર ૨૦થી ૨૫ વર્ષની છે. નાના બાળકોમાં પણ અસ્થમાની બીમારી જોવા મળી છે. અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ છેલ્લા ૫ વર્ષમાં ૨૦૦થી વધારે થયું છે. ત્યારે ૧૦ વર્ષની આસપાસની ઉંમર ધરાવતા બાળકોમાં અસ્થમાની બીમારી વધુ જોવા મળી છે.