(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૦
અમદાવાદમાં કાપડ એજન્સી ધરાવતા ઠગે ન્યુ રાંદેર ગોરાટ રોડના એક કાપડ વેપારીને રૂ.૧૩.૫૭ લાખનો ચૂનો ચોપડ્‌યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાવા પામ્યો છે.
શહેર ન્યુ રાંદેર રોડ અલનુર રેસિડેન્સીમાં રહેતા અબદુલ રશીદ મહેમુદજી ખત્રી રિંગ રોડ શિવશક્તિ માર્કેટમાં અલવી સારીઝ નામની દુકાન ધરાવે છે. અમદાવાદ કુબેરનગર બંગલો એરિયાના સોસાયટીમાં દિપક રાઘાણી મારૂતિ ટેક્સટાઈલ્સ નામની કાપડની એજન્સી ધરાવે છે. દિપક રાઘાણીએ માર્કેટના વેપારીઓને લલચામણી અને લોભામણી વાતો કરીને વિશ્વાસમાં લઈ લીધા હતા. બાદમાં ૧૫-૪-૧૭થી ૧૫-૫-૧૭ના સમયગાળા દરમિયાન દિપકે અબદુલભાઈ પાસેથી ઉધારમાં રૂ. ૧૩.૫૭ લાખનો માલ ખરીદ્યો હતો. પેમેન્ટનો સમય થતા અબદુલભાઈએ અમદાવાદ ધક્કા ખાવાના શરૂ કરી દીધા હતા અને ઠગ દિપક રાઘાણી મોબાઈલ ફોન અને એજન્સી બંધ કરીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે અબદુલભાઈએ દિપક રાઘાણી વિરુધ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ચીટિંગની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.