વડોદરા, તા. ૨૯
ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ અમદાવાદ શહેર સહિત રોજ નવી નવી ઘટનાઓ અને રાજકીય સમીકરણો બદલાતા જાય છે. પાટીદાર અનામત આંદોલનને લઇ જે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને પાટીદાર સમાજે હીરો બનાવી ખભે બેસાડયો હતો, તે જ હાર્દિક પટેલનો આજે અમદાવાદ શહેરમાં જોરદાર વિરોધ થયો હતો. શહેરના નિકોલ વિસ્તારમાં ખુદ પાટીદાર સમાજના સંખ્યાબંધ લોકો અને કાર્યકરો દ્વારા હાર્દિક પટેલ પાટીદાર સમાજનો ગદ્દાર…હાય..હાયના બેનેરો સાથે સૂત્રોચ્ચાર લગાવી હાર્દિક પટેલનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પાટીદાર સમાજમાં ભંગાણની સ્થિતિથી ભાજપ ગેલમાં આવી ગયું છે, તો બીજીબાજુ, કોંગ્રેસ ચિંતિત બન્યું છે. રેશ્મા પટેલ અને વરૂણ પટેલ ભાજપમાં જોડાયા બાદ અને હવે હાર્દિક પટેલના પણ વિરોધ બાદ પાટીદારોમાં જૂથબંધી સ્પષ્ટ રીતે સામે આવતી જાય છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી આરપી સવાણી સ્કૂલ પાસે આજે પાટીદાર સમાજના લોકો અને સંખ્યાબંધ કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. તેઓ હાથમાં હાર્દિક પટેલ પાટીદાર સમાજનો ગદ્દાર, હાય..હાય..સહિતના વિરોધદર્શક બેનરો બતાવી હાર્દિક પટેલ સામે ઉગ્ર રોષ પ્રદર્શિત કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહી, હાર્દિક પટેલની વિરૂધ્ધમાં ખુદ પાટીદાર સમાજના લોકોએ જ તે ગદ્દાર હોવાના જોરદાર સૂત્રોચ્ચાર પોકાર્યા હતા, જેને લઇ વાતાવરણ ગરમાયું હતું. પરિસ્થિતિ વધુ વણસે નહી તે હેતુથી અગમચેતીના પગલારૂપે સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને દેખાવકારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી હાર્દિક પટેલનો વિરોધ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રેશમા પટેલ અને વરૂણ પટેલે હાર્દિક પટેલને કોંગ્રેસનો એજન્ટ ગણાવી તેની પર અગાઉ ગંભીર આક્ષેપો કર્યા હતા અને હવે તેનો ખુલ્લો વિરોધ સામે આવી રહ્યો છે. જેથી હવે પાટીદાર ફેકટરનું રાજકારણ પણ ચૂંટણી ટાણે ગરમાયું છે. ગઇકાલે જ જામનગરમાં સ્થાનિક પાટીદાર યુવાનોએ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે હાર્દિપ પટેલનું ઉઠમણું યોજવાનો અનોખો વિરોધ કાર્યક્રમ યોજયો હતો અને હાર્દિક પર તે પાટીદાર સમાજનો હાથા તરીકે ઉપયોગ કરી રાજનીતિ રમી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.