અમદાવાદ,તા.૮
ભારતની વર્તમાન રાજકીય સામાજિક અને આર્થિક પરિસ્થિતિ ડામાડોળ છે. ત્યારે ચારે તરફ ભયનો માહોલ ફેલાયો છે. સ્વતંત્રતા સમાનતા, ન્યાય અને વ્યકિતના ગૌરવના બંધારણ પ્રેરિત આદર્શોનું નામ લઈને જ તેમને ઘોળીને પી જવામાં આવી રહ્યા છે. તેમજ નાગરિકોની જન્મજાત આઝાદીને છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવા અંધકારમય સંજોગોમાં સૌએ સાથે મળીને આઝાદીની જયોતને જલતી રાખવાની છે. ત્યારે તમામ રાજકીય પરિબળો પણ એકત્ર થઈને એને મોટી લડત આપે. તેવો સંદેશ ગુજરાત અને દેશની પ્રજાને આપવા માટે રાષ્ટ્ર મંચ ગુજરાત દ્વારા અમદાવાદમાં તા.૯ ઓકટોબરે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના લો ગાર્ડન ખાતે આવેલા ઠાકોરભાઈ દેસાઈ હોલમાં બપોરે ૪-૩૦ વાગ્યે યોજાનારી સભામાં પૂર્વ નાણામંત્રી યશવંત સિંહા, પૂર્વ પ્રધાન અરૂણ શૌરી, ભૂતપૂર્વ રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદી, લોકસભાના સાંસદ શત્રુધ્ન સિંહા, આપ પાર્ટીના રાજયસભાના સાંસદ સંજયસિંહ, સમાજવાદી પક્ષના ઘનશ્યામ તિવારી, પૂર્વ વિદેશ સચિવ અને રાજદૂત કે.સી. સિંહ સહિતના વકતાઓ હાજર રહેશે. જો કે વકતા તરીકે હાજર રહેનારા યશવંત સિંહાએ અગાઉ ભાજપથી છેડો ફાડતી વખતે કહ્યું હતું કે ભારતની લોકશાહી ખતરામાં છે. રાષ્ટ્ર મંચ ગુજરાતના સંયોજક પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા અને સહસંયોજક અને પૂર્વપ્રધાન પ્રવિણસિંહ જાડેજા દ્વારા આયોજિત આ સભામાં રાજકીય સામાજિક આગેવાનો હાજર રહેશે.