અમદાવાદ, તા.૧૩
રાજયની સાથે આ વર્ષે ઓગસ્ટ માસની શરૂઆતથી અમદાવાદ શહેરમા પણ જોવા મળેલા સ્વાઈનફલૂનો કહેર સતત બીજા માસમા પણ જોવા મળી રહ્યો છે.જેના પરીણામે અમદાવાદ શહેરમા છેલ્લા ૨૪ કલાકમા સ્વાઈનફલૂના વધુ ૨૮ જેટલા કેસ નોંધાવા પામ્યા છે આ સાથે જ વધુ બે દર્દીઓના મોત થવા પામ્યા છે.આ અંગે મળતી વિગતો અનુસાર,અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વાઈનફલૂને નિયંત્રણમા લેવા માટે કરવામા આવતી કાર્યવાહીના જે દાવા કરવામા આવી રહ્યા છે તેની સામે અમદાવાદ શહેરમા હજુ સપ્ટેમ્બર માસમા બે સપ્તાહ જેટલો સમય પસાર થઈ જવા આવ્યો તેમ છતાં સ્વાઈનફલૂને કાબુમા લેવામા તંત્રને સફળતા મળી નથી.શહેરમા છેલ્લા ૨૪ કલાકમા વધુ ૨૮ કેસ નોંધાવા પામ્યા છે આ સાથે જ સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી વધુ બે દર્દીના મોત થવા પામ્યા છે.અમદાવાદ શહેરની વિવિધ હોસ્પિટલોમા સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ૧૪ દર્દીઓ વેન્ટીલેટર પર છે.૩૧ દર્દીઓ ઓકસીજન ઉપર છે. શહેરની બે સિવિલ હોસ્પિટલો સહીત અન્ય હોસ્પિટલોમા આઈસોલેશન વોર્ડમા ૩૫૪ બેડ તૈયાર રાખવામા આવ્યા છે જે પૈકી ૭૮ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.હાઉસ ટુ હાઉસના ત્રીજા અને ચોથા રાઉન્ડમા કુલ મળીને ૨૨,૨૩૮ શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા જે પૈકી બી કેટેગરીના ૫૨૮ દર્દીઓને સારવાર આપવામા આવી છે.અમદાવાદમાં સ્વાઇન ફ્લુના કેસોમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.