અમદાવાદ, તા.૧પ
કેન્દ્ર સરકારે મંજૂર કરેલા સંવિધાન વિરોધી કાળા કાયદા સીએએ અને એનઆરસીના વિરોધમાં દિલ્હીના શાહીનબાગ ખાતે હજારોની સંખ્યામાં મહિલાઓ, બાળકો, યુવતીઓ સહિતના આંદોલનકારીઓ છેલ્લા એક માસથી કડકડતી ઠંડીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ રખિયાલ સ્થિત ખ્વાજા ગરીબ નવાઝ હાઉસિંગ સોસાયટીમાં કેટલાક યુવાનો ગતરાત્રિથી ધરણાં પર બેઠા છે. આ યુવાનોના સમર્થનમાં ધીમે ધીમે મહિલાઓ અને યુવાઓ સહિતના લોકોની સંખ્યા વધી રહી છે. જે અચોક્કસ મુદ્દત સુધી જારી રહેશે. સીએએ અને એનઆરસી જેવો કાયદો કોઈ એક કોમને અસર નથી કરતો પરંતુ તેની અસર તમામ ધર્મના લોકોને થશે. એટલે જ દેશભરના તમામ ધર્મ જાતિના લોકો આ કાયદાના વિરોધમાં ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. એક રીતે દિલ્હીના શાહીનબાગ ખાતે પણ હજારો લોકો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો છે તેઓ છેલ્લા એક મહિનાથી કડકડતી ઠંડીમાં ધરણાં પર બેઠા છે. તેમની અડગતાથી પ્રેરાઈ ઉત્તરપ્રદેશના કાનપુર, અલહાબાદ અને બિહારના કિશનગંજ સહિતના વિસ્તારોમાં લોકો વિરોધમાં જોડાઈ રહ્યા છે ત્યારે અમદાવાદના રખિયાલ ખાત.ે આવેલી ખ્વાજા ગરીબ નવાઝ હાઉસિંગ સોસાયટીમાં પણ ટ્રસ્ટીઓની પરવાનગી બાદ કેટલાક યુવાનો ૧૪મીની રાત્રે ૧ર વાગ્યાથી શાહીનબાગમાં થઈ રહેલા સીએએના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનના સમર્થનમાં ધરણાં પર બેસી ગયા છે. સુફિયાન રાજપૂત નામના આગેવાનના જણાવ્યા મુજબ અમદાવાદમાં રપ જાન્યુઆરી સુધી ૧૪૪ની કલમ લાગુ હોવાથી સોસાયટીના મેદાનમાં ધરણાં રાખવામાં આવ્યા છે. ધરણાં માટે સોસાયટીની લેખિતમાં મંજૂરી પણ લેવામાં આવી હતી. જેની નકલ પોલીસને આપવામાં આવી છે. ધરણાંમાં ધીરે ધીરે લોકોની સંખ્યા વધી રહી છે. જ્યાં સુધી એનઆરસી પરત નહીં ખેંચાય ત્યાં સુધી અમારી લડાઈ ગાંધીજીના અહિંસક માર્ગે શાંતિપૂર્ણ રીતે જારી રહેશે. પોલીસે ધરણાં રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. ધરણાંમાં ઉપસ્થિત રૂખસાનાબેન નામની મહિલાએ જણાવ્યું છે કે આ લડાઈ અમે અમારા બાળકો અને ભાવિપેઢી માટે લડીએ છીએ. આ કાયદો અમને મંજૂર નથી. ૧પથી ર૦ જેટલા યુવાનોએ શરૂ કરેલા ધરણાંમાં હાલ ૩૦૦થી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે.