પોલેન્ડમાં મળેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિએ શનિવાર તા.૮ જુલાઈના રોજ અહમદાબાદનું અપભ્રંશ થઈને અમદાવાદ તરીકે ઉચ્ચારાતા આપણા શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી અંગે ઠરાવ કરીને કાયદેસર રીતે વિશ્વના નકશામાં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની માન્યતા આપી. આ સમાચાર ફક્ત અમદાવાદવાસીઓ કે ગુજરાત માટે ખુશીની લહેર નહીં પણ સમગ્ર ભારત માટે ગૌરવવંતી ખબર છે, કારણ કે સમગ્ર ભારતમાં ઐતિહાસિક શહેર તરીકેનો દરજ્જો વર્લ્ડ હેરિટેજમાં સૌ પ્રથમ અમદાવાદને મળ્યો છે. કદાચ દેશના બે શહેરો દિલ્હી અને અમદાવાદ આ માટેના ઉમેદવાર હતા, જેમાં અમદાવાદની ઐતિહાસિક ધરોહરને લઈને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિએ બરાબર ચકાસણી કરીને અમદાવાદને વિશ્વના અન્ય સ્થળોની જેમ ઐતિહાસિક શહેરની ઓળખ પ્રસ્થાપિત કરી. આવા ઉમદા સમાચારથી એકેએક ગુજરાતીનું-ભારતવાસીનું હૈયું હરખાઈ એ સ્વાભાવિક છે, પણ એકલું હૈયામાં ઉમંગ લાવવાથી આ ઐતિહાસિક ધરોહરો કે શહેરનું નામ રોશન રહેશે નહીં. યુનેસ્કોએ અમદાવાદની સાચી ઓળખ વિશ્વ સમક્ષ પ્રેમભરી રીતે મૂકી આપી, પણ હવે એ દરજ્જે પહોંચતાં જ સત્તા પર બેઠેલા કોર્પોરેશનના સત્તાધીશોથી લઈને અમદાવાદમાં રહેનાર એકેએક નાગરિકની તાતી ફરજ છે કે, શહેરની ઐતિહાસિક ધરોહરને વિશ્વ પ્રવાસીઓથી વધુને વધુ ગૌરવ પ્રાપ્ત થાય તે માટે એ ઐતિહાસિક ઈમારતોની જાળવણી માટે ખાસ તકેદારી લે.
અમદાવાદ મ્યુ. કોર્પોરેશને ભારત સરકારે અમદાવાદના ઐતિહાસિક દરજ્જા માટે જે તકેદારી લીધી તે બદલ તેઓ અભિનંદનના અધિકારી છે. શહેરના આ બેનમૂન સ્થાપત્યોમાં મુસ્લિમ તેમજ ભારતીય કલા કારીગરીનો ઉમદા સમન્વય છે. એ સમન્વયે જ આપણા અમદાવાદને ગૌરવ બક્ષ્યું છે. એને હળીમળીને આપણે બકરાર રાખવાનું છે. હવે પહેલાંના કે અત્યારના તંત્રએ ઐતિહાસિક ઈમારતોની જાળવણીમાં જે બેદરકારી રાખેલી તેને સુધારવા માટેના પગલાં લેવાં જોઈએ. જે ઐતિહાસિક ઈમારતો આસપાસ નાગરિકોએ તંત્રની બેદરકારી કે મીલીભગતથી અતિક્રમણો કર્યા છે તેને દૂર કરવા તેમની સાથે વિચાર-વિમર્શ કરી પ્રેમથી શહેરનું ગૌરવ હજી વધે તે માટે સ્વૈચ્છિક રીતે અતિક્રમણ દૂર કરવા તેમને તૈયાર કરવા જોઈએ. જો તેઓ તેમાં સહકાર ન આપે તો કાયદેસર રીતે પગલાં લઈને દરેકે દરેક ઐતિહાસિક ઈમારતોને વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બનાવવાના ઉમદા કામમાં આજથી જ જોતરાઈ જવું જોઈએ. જે-જે ઈમારતોમાં નુકસાન થયેલું છે તેને હેરિટેજ વિભાગ, પુરાતત્ત્વખાતું અને હવે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ તરફથી મળતી આર્થિક મદદથી વિશ્વના અન્ય ઐતિહાસિક સ્થળોના ધારાધોરણ મુજબની કક્ષામાં અમદાવાદની ઐતિહાસિક ઈમારતોને મૂકવી જોઈએ. તો જ અમદાવાદને મળેલા વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાને સન્માનવાને લાયક ગણાઈશું.
વિશ્વ પ્રવાસીઓ અમદાવાદના રેલવે સ્ટેશને, એરપોર્ટ પર કે સડક માર્ગે શહેરમાં દાખલ થતાં જ તેમને વર્લ્ડ હેરિટેજ ઈમારતો અંગેનું સાહિત્ય મળવું જોઈએ સાથે અમદાવાદના એ સ્થળોની મુલાકાતે લઈ જવા માટે ટેક્ષી, રિક્ષા કે અન્ય વાહનો લઈને જનારાઓને વિદેશી ભાષાની (અંગ્રેજી, ફ્રેચ વગેરે) વાતચીત કરી શકે તેવી તાલીમથી લઈને તેમની સાથે (પ્રવાસીઓ) ઉમદા વ્યવહાર માટે તાલીમબદ્ધ કરવા જોઈએ. મ્યુ.કોર્પોરેશને પણ એના મુખ્ય કાર્યાલયે તથા શહેરના ત્રણ-ચાર સ્થળોએ પ્રવાસીઓને અમદાવાદની ઐતિહાસિક ધરોહરો માટેનું સાહિત્ય – માહિતી અચૂક ઉપલબ્ધ કરાવવી રહી.
ટૂંકમાં અહમદાબાદને મળેલ વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાનું ગૌરવ લેવાની સાથે સાથે આપણા ત્યાં ભારતના અન્ય રાજ્યોમાંથી આવનારા પ્રવાસીઓ, (શાળા, કોલેજો વગેરે) વિદેશી પ્રવાસીઓ વધુને વધુ આકર્ષાય તે માટેની સગવડો; ઉમદા વ્યવહાર કરવા તત્પર રહેવું જોઈએ. ખાસ તો ઐતિહાસિક ઈમારતો જોવા આવનારને શહેર પણ સ્વચ્છ અને સુંદર ભાસે એ જોવાની હવે તંત્રની સાથે આપણી સૌ નાગરિકોની પણ ફરજ બને છે.
રાજ્યના શિક્ષણ વિભાગે (ખાસ તો શિક્ષણમંત્રીશ્રીએ) એમના હવે પછી પ્રિન્ટ થનાર શાળાના વિદ્યાર્થીઓ માટેના ઈતિહાસ-ભૂગોળના પાઠ્યપુસ્તકોમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીએ અમદાવાદના હેરિટેજ સિટીનો જે દરજ્જો આપ્યો તેની ફોટા સાથેની વિગતનો સમાવેશ કરવો જોઈએ. જેથી આવનારી પેઢીને આપણી સંસ્કૃતિનું ગૌરવ સમજાય, તકેદારી રાખવાની તાલીમ મળે.