અમદાવાદ,તા.ર૬
કહેવાય છે કે ‘સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ એટલે કે જે અથાગ મહેનત કરે છે તે ઉત્તમ પરિણામ મેળવે છે એ સાબિત કરી બતાવ્યું છે, અમદાવાદની બે જોડિયા બહેનો સુહાના અને રૂખશાનાએ આઈ.પી. મિશન સ્કૂલમાં અભ્યાસ કરતી આ બન્ને જોડિયા બહેનોએ ખેલમહાકુંભમાં સતત ત્રણ વર્ષથી ગોલ્ડ મેડલ તેમજ રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક મેડલ મેળવ્યા છે. જયારે તેઓ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવી સમાજ અને દેશનું નામ રોશન કરવા કટિબધ્ધ બની છે. અમદાવાદના સારંગપુર વિસ્તારમાં ત્રણ દેવડી મંદિરની ચાલીમાં રહેતા શ્રમજીવી પરિવારના ઈકબાલ હુસેન શેખની જોડિયા દીકરીઓ સુહાના અને રૂખશાનાએ સતત ત્રણ વર્ષથી ખેલ મહાકુંભમાં જૂડોની રમતમાં ગોલ્ડ મેડલ મેળવી અનોખી સિધ્ધિ હાંસલ કરી છે. સાથે જ સુહાનાએ નેશનલ લેવલે સિલ્વર મેડલ અને જુનિયર નેશનલ લેવલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. જયાં તેમને કોંચીગ મળી રહ્યું છે. ત્યાં પણ ટાંચા સાથેનો અને અપૂરતી સુવિધાઓ વચ્ચે તેઓ પોતાના ઓલિમ્પિકમાં રમી ભારતને ગોલ્ડ મેડલ અપાવવાના સ્વપ્નને સાકાર કરવા અગ્રેસર થવા માગે છે. આ જોડિયા બહેનો હાલ ધોરણ ૧૧મા અભ્યાસ કરી રહી છે. તેઓ રમત ગમતની સાથે અભ્યાસમાં પણ ઘણી હોશિયાર છે તેઓ માને છે કે મહિલાઓની વધતી અસુરક્ષિતતા વચ્ચે સેલ્ફ ડિફેન્સ કરતાં શીખવું જરૂરી છે. આ પ્રકારની ભાવના જ તેમને રમતમાં અગ્રેસર કરવામાં મદદરૂપ બની છે સાથે જ માતા-પિતા અને સ્કૂલ તેમજ કોચીંગ સંસ્થાનો સહકાર પણ તેમના માટે પ્રેરણારૂપ બન્યો છે. સાથે જ છોકરાઓની જેમ છોકરીઓ પણ બધી જ સિધ્ધિઓ હાંસલ કરી દરેક ક્ષેત્રે અવ્વલ રહી શકે છે. તેવી ભાવના સાથે જૂડો ક્ષેત્રે આગળ વધી તેઓ ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવા કટિબધ્ધ છે તેવું તેમણે ‘ગુજરાત ટુડે’ના પ્રતિનિધિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.