(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૯
અમદાવાદ શહેરમાં ગત સાંજે ૪ વાગ્યાથી આજ તા ર૯મીમી સાંજના ૪ વાગ્યા સુધી ર૪ કલાકમાં સરેરાશ ર૧ મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સાથે ચાલુ મોસમનો સરેરાશ કુલ વરસાદ ૧૮૦ મીમી જેટલો એટલે કે ૭ ઈંચથી વધુ નોંધાયો છે. આજે દિવસ દરમિયાન શહેરમાં હળવાથી ભારે ઝાપટાં અને ક્યારેક સળંગ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી.
આજ વહેલી સવારથી જ વરસાદ ત્રાટકયો હતો. શહેરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદના ઝાપટા દિવસ દરમ્યાન ચાલુ રહ્યા હતા. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સૌથી વધુ ફરિયાદો જોવા મળી હતી. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં કેટલાક માર્ગો અને વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદની સાથે જ શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂવા અને ખાડા પડવાના બનાવો પણ ચાલુ રહ્યા હતા. સમગ્ર દિવસ દરમ્યાન વરસાદ ચાલુ રહેતાં શહેરીજનો ખાસ કરીને વાહનચાલકો માર્ગોમાં કયાંક અટવાયા હતા. તો, ઘણા લાંબા સમય બાદ મેઘરાજાએ સારી મહેર વરસાવતાં શહેરીજનો માર્ગો પર વરસાદી માહોલની મોજ માણવા લટાર મારવા નીકળ્યા હતા. શહેરમાં ધોધમાર વરસાદના કારણે નગરજનોમાં એકંદરે ખુશીની લાગણી પ્રસરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના અન્ય વિસ્તારોની સાથે-સાથે અમદાવાદ શહેરમાં આજે પવન સાથે વરસાદ નોંધાયો હતો. શહેરના બોપલ, એસજી હાઈવે, સરખેજ, જીવરાજપાર્ક, પ્રહલાદનગર, ગુરૂકુળ, મેમનગર, નારણપુરા, નવરંગપુરા, જમાલપુર, પાલડી, આશ્રમરોડ, રિવરફ્રન્ટ, મણિનગર, વટવા, ઓઢવ, બાપુનગર, અમરાઇવાડી, રામોલ, વસ્ત્રાલ, નિકોલ, નરોડા, નિકોલ, દાણીલીમડા, બહેરામપુરા, શાહેઆલમ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે વરસાદી માહોલ જામ્યો હતો. ભારે અને ધોધમાર વરસાદી ઝાપટાઓના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને ઉત્તર પૂર્વના અને દક્ષિણના વિસ્તારોમાં સૌથી વધુ અસર નોંધાઇ હતી. છેલ્લા ર૪ કલાક દરમિયાન દક્ષિણ પશ્ચિમઝોનના વિસ્તારોમાં સવા ઈંચથી વધુ જ્યારે પશ્ચિમઝોન અને દક્ષિણ ઝોનમાં અડધો ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.