અમદાવાદ,તા. ૮
તાજેતરના ચોમાસાના અતિ ભારે વરસાદના અમદાવાદ શહેરના ધોવાઇ ગયેલા, તૂટી ગયેલા, ખાડા પડી ગયેલા અને બિસ્માર રસ્તાઓ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી દાખલ થઇ છે. જેની સુનાવણીમાં જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ બીએન કારિયાની ખંડપીઠે રાજય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સત્તાવાળાઓને કારણદર્શક નોટિસો જારી કરી ખુલાસા સાથે વિગતવાર અહેવાલ માંગ્યો હતો. હાઇકોર્ટે કેસની સુનાવણી દરમ્યાન અમ્યુકો અને ઔડા સત્તાવાળાઓની રીતસરની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, શહેરના બિસ્માર રસ્તાઓ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાના અધિકારીઓ જાતે બાઇક પર નીકળી આંટો મારે એટલે રસ્તાઓની ખબર પડી જશે કે શું હાલત છે. હાઇકોર્ટે અમ્યુકો અને ઔડા દ્વારા શહેરના રસ્તાઓ જે પ્રકારે બનાવાય છે અને દર ચોમાસામાં તેનું ધોવાણ થઇને તૂટી જાય છે તે મુદ્દે પણ આ બંને સત્તાવાળાઓની જોરદાર આલોચના કરી હતી. હાઇકોર્ટે અમ્યુકો અને ઔડા સત્તાવાળાઓની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, બિસ્માર રસ્તાઓ મામલે તંત્ર જવાબદારી લઇ રહ્યું નથી અને લોકો તેના કારણે હેરાન થઇ રહ્યા છે. લોકોની સુવિધા અને સેવા માટે તંત્રની જવાબદારી બને છે પરંતુ તંત્રની નિષ્ક્રિયતા જોતાં નાગરિકોની ફરિયાદ તેના બહેરા કાને સંભળાતી હોય તેમ લાગતુ નથી. કોર્પોરેશન અને ઔડાના સત્તાધીશો રોડ પર નીકળે તો ખબર પડે કે, લોકોને શું હાલાકી પડી રહી છે. ખરાબ રસ્તાઓને લઇ લોકો આટલી હાલાકી ભોગવી રહ્યા છે અને અક્સ્માતમાં નાગરિકો ભોગ બની રહ્યા છે ત્યારે હવે સમય પાકી ગયો છે કે, સરકાર અને અમ્યુકો સત્તાવાળાઓ સામે કડક પગલા લેવામાં આવે. હાઇકોર્ટે આ કેસમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર, મેયર ગૌતમ શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પ્રવીણભાઇ પટેલને વ્યકિતગત પક્ષકાર તરીકે જોડવા પણ નિર્દેશ કર્યો હતો. જાહેરહિતની રિટમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, શહેરમાં તાજેતરના ચોમાસાની સીઝનના ભારેથી અતિ ભારે વરસાદને લઇ શહેરના તમામ વિસ્તારોમાં ઉંડા પાણી ભરાઇ ગયા હતા અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં જાહેર રસ્તાઓ, રોડ અને માર્ગો ધોવાણ થઇ ગયા છે અને તમામ રસ્તાઓ તૂટી ગયા છે. ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે. જેના કારણે શહેરના રાહદારીઓથી માંડી વાહનચાલક નાગરિકો ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને ટુ વ્હીલર વાહનચાલકો બહુ મોટી હાલાકી ભોગવી રહ્યા છે. શહેરના ૯૦ ટકા રોડ તૂટી ગયા છે અને લોકો માટે વાહન ચલાવવું મુશ્કેલ અને જોખમી બની ગયું છે. અરજદારપક્ષ દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાઓ રીપેર કરવા અને ભોગ બનેલા નાગરિકોને વળતર ચૂકવવા સહિતની દાદ માંગવામાં આવી હતી. આ રજૂઆત ધ્યાનમાં લઇ હાઇકોર્ટે ઉપરમુજબ નોટિસો જારી કરી કેસની વધુ સુનાવણી તા.૧૦મી ઓગસ્ટે રાખી હતી.