(એજન્સી) બેંગલુરૂ, તા. ૨૩
પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી અને આંધ્રપ્રદેશના તેમના સમકક્ષ ચંદ્રાબાબુ નાયડુએ દેશમાં સંઘીય માળખાના વિકાસ માટે બધા પ્રાદેશિક પક્ષોને ભેગા થવાની હાકલ કરી છે. એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારના શપથ સમારંભમાં ભાગ લેવા માટે બેંગલુરૂ આવેલા બંને નેતાઓએ જણાવ્યું કે તેઓ પ્રાદેશિક પક્ષોને પ્રોત્સાહિત કરવા અને તેમને મજબૂત બનાવવા માગે છે.
બંને મમતા બેનરજી અને ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું કે તેઓ ખુશ છે કે એક પ્રાદેશિક પક્ષના નેતા રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લઇ રહ્યા છે અને જેડીએસ સાથે પોતાની સંગઠિતતા વ્યક્ત કરવા માટે તેઓ અહીં આવ્યા છે. અમે કુમારસ્વામીજી અને તેમની સરકારને ટેકો આપવા માટે અહીં ઉપસ્થિત છીએ. અમને શ્રેષ્ઠ થવાની આશા છે. ચંદ્રાબાબુ નાયડુ તેમની પડખે ઉભા હતા ત્યારે મમતા બેનરજીએ પત્રકારોને જણાવ્યું કે લોકોના વિકાસ, દેશના વિકાસ અને સંઘીય માળખાના વિકાસ માટે પણ અમે કામ કરી શકીએ તેના માટે અમે બધા પ્રાદેશિક પક્ષોના સંપર્કમાં રહીશું . પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાને જણાવ્યું કે જો રાજ્યો મજબૂત થશે તો કેન્દ્ર પણ મજબૂત થશે. અમારૂં મિશન અને વીઝન સ્પષ્ટ છે કે અમે એક-બીજાને મળી શકીએ, અમે એક-બીજા સાથે વાતચીત કરી શકીએ અને અમે દરેક રાજ્યમાં જઇ શકીએ તેમ જ એક-બીજા સાથે મંત્રણા કરી શકીએ. આ મંત્રણા દ્વારા દેશના ભવિષ્ય માટે વધુ તાકાત આપી શકીએ. કુમાર સ્વામીના શપથ સમારંભમાં વિપક્ષના દિગ્ગજ નેતાઓ અને મુખ્ય પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિને આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીઓ પહેલા એક વિસ્તૃત ભાજપ વિરોધી મંચ માટે બીજની વાવણી તરીકે ે જોવામાં આવી રહ્યું છે.

શપથવિધિ કાર્યક્રમ ઘણીરીતે વિપક્ષી પાર્ટીઓનો મેગા શો

બેંગ્લોર, તા. ૨૩
કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે આજે કુમારસ્વામીએ શપથ લીધા હતા. આ શપથવિધિને વિપક્ષી એકતા દર્શાવવા માટે પણ રજૂ કરવામાં આવી હતી. વિપક્ષે એકતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. શપથવિધિ કાર્યક્રમમાં અનેક વિપક્ષી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષી પાર્ટીઓના મેગા શો તરીકે આ શપથવિધિને બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. શપથવિધિમાં યુપીએના ચેરમેન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી, પશ્ચિમ ગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, જેડીયુના પૂર્વ નેતા શરદ યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આરજેડીના નેતા તેજસ્વી યાદવ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડુ, આરએલડીના પ્રમુખ અજીત સિંહ, ડાબેરી નેતા સીતારામ યેચુરી ઉપસ્થિત રહ્યા હતા. કર્ણાટકમાં સત્તા સંઘર્ષનો દોર લાંબા સમય સુધી ચાલ્યો હતો. શપથવિધિમાં કોંગ્રેસ અને અન્ય વિરોધ પાર્ટીઓના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ચંદ્રાબાબુ નાયડુએ તમામનું ધ્યાન ખેંચ્યું હતું. બસપના વડા માયાવતી અને સપાના વડા અખિલેશ યાદવ એકબીજાની નજીક બેઠેલા નજરે પડ્યા હતા. સીપીઆઈએમના પાવરહાઉસ સીતારામ યેચુરી, એનસીપીના નેતા શરદ પવાર પણ ઉપસ્થિત રહ્યા હતા. શપથવિધિ દરમિયાન વરસાદના કારણે સ્થિતિને અસર થઇ હતી. જો કે, હળવા વરસાદી ઝાપટા બાદ ઉજવણીમાં અસર થઇ ન હતી. કાર્યકરો ભારે ઉત્સાહિત દેખાયા હતા. શપથ લેતા પહેલા કુમારસ્વામીએ કહ્યું હતું કે, ગઠબંધન સરકારના ચોક્કસ મર્યાદા રહેશે. તમામ મામલાઓ ઉપર કોંગ્રેસને વિશ્વાસમાં લઇને આગળ વધશે. મૈસુરમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ આ મુજબની વાત કરી હતી.