લંડન, તા.ર૪
ભારતીય ટીમ બીજીવાર ચેમ્પિયન બનવાનું ચૂકી ગઈ પણ કપ્તાન મિતાલી રાજનું માનવું છે કે દેશમાં ભારતીય મહિલા ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ છે અને ભાવિ પેઢી માટે મંચ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ભારત લોર્ડસમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ એક સમયે પહેલીવાર વિશ્વકપ જીતવાની સ્થિતિમાં દેખાઈ રહ્યું હતું. પણ ર૮ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી. એક સમયે તેનો સ્કોર ત્રણ વિકેટે ૧૯૧ રન હતો પણ અંતમાં ટીમ રર૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ૪૮.૪ ઓવરમાં ર૧૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
કપ્તાન મિતાલીએ કહ્યું કે આ મારો છેલ્લો વિમેન્સ વર્લ્ડકપ હતો. હું આગામી વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં રહૂં. જો કે તેણે ક્રિકેટમાંથી રિટાયર્ડ અને કેપ્ટન્સી છોડવાને લઈને કોઈ નિર્ણય લીધો નથી. ભારતીય ટીમને મળેલી હાર પાછળનું કારણ જણાવતા મિતાલીએ કહ્યું કે મેચ એક સમય સુધી બેલેન્સ હતી પરંતુ એક સમય આવતા દરેક પ્લેયર પ્રેશરમાં આવી જતા સતત વિકેટ ગુમાવી પડી, જેથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્લેયર્સ વધારે નિરાશ છે કેમ કે તેમને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. એટલે સ્વાભાવિક છે, તેથી સમય લાગશે. આ પ્લેયર્સે ભારતમાં મહિલા ક્રિકેટના સ્તરને વધાર્યું છે અને તે માટે ગર્વ થવો જોઈએ. આ સિવાય મિતાલીએ કહ્યું કે જે રીતનો સપોર્ટ મહિલા ક્રિકેટનો વર્લ્ડકપ દરમિયાન મળ્યો તેને ખરેખર અમારો ઉત્સાહ વધાર્યો હતો. સાથે જ મિતાલીએ ટીમની સૌથી અનુભવી બોલર ઝૂલન ગોસ્વામીના વખાણ કરતાં કહ્યું કે તે હંમેશા તેનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરતી રહે છે. મિતાલી રાજે વર્ષ ૧૯૯૯માં ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ વર્ષ ર૦૦૪માં ભારતીય કેપ્ટન બની. તેની કેપ્ટન્સીથી ભારતીય ટીમ વર્ષ ર૦૦પ અને ર૦૧૭માં વર્લ્ડકપના ફાઈનલમાં પહોંચી હતી. મિતાલીએ ભારતીય ટીમ માટે કુલ ૧૮પ વનડેમાં પ૧.૮૭ એવરેજ ૬૧૭૩ રન કર્યા છે.