(એજન્સી) તા.ર
ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લાના ઘનશાલી શહેરના મુસ્લિમ વેપારીએ બુધવારે જણાવ્યું કે, હિન્દુ સગીરા સાથે ઝડપાયા બાદ એમના સમુદાયના યુવકને ટોળાએ માર માર્યો હતો અને તેમનો બહિષ્કાર કરવા હાંકલ કરવામાં આવી હતી. તેના બે દિવસ બાદ પણ મુુસ્લિમ વેપારીઓ તેમની દુકાનો ખોલવાથી ડરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, ઘનસાલીના બજારમાં ટોળાએ મુસ્લિમ વેપારીઓની ૧૩ દુકાનો તોડી નાંખી હતી.
ઘનસાલી બજારમાં ર૦ વર્ષથી દુકાનો ચલાવી રહેલા ઉત્તરપ્રદેશના બિજનૌરના વતની અહેસાન મન્સૂરીએ જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય એવી ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાની દુકાનો ખોલશે નહીં. પરંતુ તે અશક્ય લાગી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, ‘અમે ચોક્કસ ભયના ઓથાર હેઠળ છીએ’ મન્સૂરીએ જણાવ્યું કે હાલમાં તેઓ તેમના નિવાસસ્થાન બિજનૌર ખાતે છે. ૭૦૦૦ની વસ્તી ધરાવનાર ઘનસાલીમાં ભૂતકાળમાં કોમી હિંસાની એક પણ ઘટના જોવા મળી નથી. આ બજારમાં જ્યાં આશરે ૩૦૦ દુકાનો છે જેમાંથી ૩૦ દુકાનો મુસ્લિમ વેપારીઓની માલિકીની છે.
કેટલાક હિન્દુ વેપારીઓએ મંગળવારે બેઠક યોજી હતી અને ‘બહાર’ના મુસ્લિમ વેપારીઓને બજાર છોડી દેવા કહ્યું હતું. સ્થાનિક હિન્દુ સમુદાયના સભ્યો અને કટ્ટર હિન્દુવાદી સંગઠનના નેતાઓએ બજારમાં હિન્દુ મકાન માલિકીને તેમના મુસ્લિમ ભાડૂતોને તેમની મિલકત ખાલી કરાવવા જણાવ્યું હતું.
આ વિસ્તારમાં ફર્નિચરની દુકાન ધરાવતા ઈસરાર અહેમદે જણાવ્યું કે, એમના મકાન માલિકે દુકાન ખાલી કરવા માટે કહ્યું છે. પરંતુ છેલ્લા ૧પ વર્ષથી અમે અહીં બિઝનેસ ચલાવી રહ્યા છીએ. તે કેવી રીતે ખાલી કરી શકીએ. તે શક્ય નથી. અમે નષ્ટ થઈ જઈશું તેમણે જણાવ્યું કે, મુસ્લિમ વેપારીઓ ચિંતિત છે અને જો તેઓ દુકાન ખોલશે તો પણ સામાન્ય રીતે તેમનો વ્યવસાય કરી શકશે નહીં. અહેમદે જણાવ્યું કે, અમે ભયભીત છીએ, આગામી સમયમાં તણાવ. મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. સ્થાનિક વહીવટીએ સ્થિતિમાં નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો છે અને મુસ્લિમ વેપારીઓ કોઈ પણ ભય વિના બિઝનેસ કરી શકે છે તે ખાતરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, ઘનસાલીની એક હોટલમાં હિન્દુ સગીરા સાથે ઝડપાયેલ ૧૮ વર્ષીય આઝાદ અલ્વીને સોમવારે રપ૦ લોકોના ટોળાએ માર માર્યો હતો અને ચંપલનો હાર પહેરાવી બજારમાં ફેરવાયો હતો. પોલીસે જણાવ્યું કે, હાલમાં આઝાદને બળાત્કારના આરોપ લગાવી અટકાયતમાં લેવામાં આવ્યો છે.